બાબરા તાલુકાના નડાળા ગામે જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ સેવાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો, જેનો સ્થાનિક લોકોએ બહોળો લાભ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શિલ્પાબેન કલકાણી, રાણપરના સરપંચ પરેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ગેવરીયા, અશ્વિનભાઈ સાકરીયા તેમજ નડાળાના સરપંચ હિતેશભાઈ કલકાણી સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો તેમજ રજૂઆતો કરવામાં આવી હતી, જેનું તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ બાવળીયા દ્વારા સ્થળ પર જ યોગ્ય નિરાકરણ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






































