બનાસકાંઠા જિલ્લાના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને લિંક કરવાની યોજનાને મંજૂરી આપી છે. આશરે રુ.૧૧૯ કરોડના ખર્ચે અમલમાં આવનાર આ પ્રોજેક્ટથી વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ યોજના અંતર્ગત બંને ડેમને પરસ્પર જાડીને પાણીનું સંચાલન વધુ અસરકારક રીતે કરવામાં આવશે. પાણીની ઉપલબ્ધતા મુજબ એક ડેમમાંથી બીજા ડેમમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેથી વરસાદની અનિશ્ચિતતા હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ રહે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંદાજે ૬ હજાર હેક્ટર જેટલી ખેતી જમીનને પિયત માટે પાણી મળશે. ખાસ કરીને વરસાદ પર આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થવાની છે.
આ યોજનાથી લગભગ ૨૫ જેટલા ગામોને સીધો લાભ મળશે. આ ગામોમાં ખેડૂતો લાંબા સમયથી સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા. ઘણી જગ્યાએ ખેડૂતોને બોરવેલ અથવા અન્ય વિકલ્પો પર આધાર રાખવો પડતો હતો, જેના કારણે ખેતી ખર્ચ વધતો હતો. ખેતી સુધી પાણી સરળતાથી પહોંચે તે માટે નહેરની વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.
વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતું પિયત પાણી મળે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. દાંતીવાડા અને સીપુ ડેમને લિંક કરવાની આ યોજના પણ તે દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં સિંચાઈની સુવિધા મજબૂત બનશે, ખેડૂતોને વરસાદ પર ઓછો આધાર રાખવો પડશે અને કૃષિ વિકાસને નવી ગતિ મળશે. આ રીતે, દાંતીવાડા–સીપુ ડેમ લિંક પ્રોજેક્ટ બનાસકાંઠાના કૃષિ ક્ષેત્ર માટે લાંબા ગાળે મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.”
આ નહેર મારફતે ડેમનું પાણી સીધું ખેતી વિસ્તારમાં પહોંચાડવામાં આવશે, જેથી પાણીનું યોગ્ય વિતરણ થઈ શકે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ યોજના અમલમાં આવ્યા પછી વિસ્તારમાં કૃષિ ઉત્પાદન વધવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. સાથે જ પાણી સંસાધનોનું સંચાલન વધુ અસરકારક બનશે.