બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી ભૂગર્ભ ગટરની સુવિધા અનેક વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતા દુર્ગંધયુક્ત પાણી રોડ પર ફરી વળે છે. પોલીસ સ્ટેશનથી જાંજારીયા જવાના માર્ગ પર આવેલી મસ્જિદ નજીક તેમજ કુંકાવાવ નાકા પાસે રામજી મંદિર નજીક ગટરના પાણી રોડ પર વહેતા જોવા મળ્યા હતા. જેના કારણે રાહદારીઓ અને મંદિર આવતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં રોષ છે કે ગટર વેરો વસૂલવામાં આવે છે છતાં યોગ્ય જાળવણી થતી નથી. દુર્ગંધ અને ગંદકીના કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધી રહી છે. લોકોએ નગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે.







































