પાંચ રાજ્યોમાં ચાલી રહેલા ચૂંટણીના ગરમાગરમ માહોલ વચ્ચે, ઝારખંડના મુખ્યમંત્રી અને જેએમએમ પ્રમુખ હેમંત સોરેને પોતાનો પશ્ચિમ બંગાળ પ્રવાસ શરૂ કર્યાે છે તેઓ ૨૦ એપ્રિલ સુધી ચાલનારા આ ત્રણ દિવસના પ્રચાર દરમિયાન, હેમંત સોરેન મમતા બેનર્જીની પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસના સમર્થનમાં રેલીઓ કરશે. આસામ પછી, પશ્ચિમ બંગાળમાં ભાજપને ઘેરવા માટે હવે “સોરેન ફેક્ટર”નો ઉપયોગ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રી હેમંત સોરેન આજે સવારે રાંચીથી હેલિકોપ્ટર દ્વારા પુરુલિયા જવા રવાના થયા અને કાશીપુર સહિત ત્રણ અલગ અલગ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધન કર્યું હતું પછી સાંજે રાંચી પાછા ફર્યા હતાં આગામી બે દિવસમાં તેમનું ધ્યાન બાંકુરા, મિદનાપુર અને ઝારગ્રામ જેવા મુખ્ય જિલ્લાઓ પર રહેશે.
રાજકીય રણનીતિના ભાગ રૂપે, જેએમએમએ આ વખતે બંગાળની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. પાર્ટીએ વિપક્ષી એકતા દર્શાવતા મમતા બેનર્જીને બિનશરતી ટેકો આપ્યો છે. જેએમએમના મહાસચિવ વિનોદ પાંડેએ સ્પષ્ટતા કરી કે પાર્ટીના સ્ટાર પ્રચારક કલ્પના સોરેન પણ મુખ્યમંત્રી સાથે પ્રચારનો ભાગ રહેશે. પાર્ટીનું લક્ષ્ય આદિવાસી પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં ટીએમસીની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનું છે.
હેમંત સોરેનની મુલાકાત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. પુરુલિયા અને ઝારગ્રામ જેવા બંગાળ જિલ્લાઓ ઝારખંડની સરહદે છે. આ વિસ્તારોમાં સંથાલ અને અન્ય આદિવાસી સમુદાયોની મોટી વસ્તી છે, જ્યાં જેએમએમનો પરંપરાગત રીતે પ્રભાવ રહ્યો છે. રાજકીય નિષ્ણાતો માને છે કે સોરેનની હાજરી માત્ર મતોનું ધ્રુવીકરણ કરવામાં મદદ કરશે નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે પ્રાદેશિક પક્ષોમાં એકતાનો મજબૂત સંદેશ પણ મોકલશે.