ધારીના ગોવિંદપુર ગામે પ્રેમસંબંધ બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. ઢીકાપાટુ અને લોખંડની પાઇપથી માર માર્યો હતો. બનાવ અંગે મેપાભાઈ ભાયાભાઈ દાફડા (ઉ.વ.૬૫)એ મહીપતભાઇ મોહનભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી.બનાવની વિગતો અનુસાર, તેઓ ગ્રામ પંચાયતના પાણીનો વાલ્વ ખોલવા માટે રામાપીરના મંદિર પાસે ગયા હતા. તે સમયે આરોપી ત્યાં બેઠેલો હતો. તેમણે આરોપીને તેમના દિવંગત દીકરાની પત્ની અને આરોપીના ભાઈ શૈલેષભાઈ વચ્ચેના કથિત પ્રેમસંબંધ વિશે વાત કરી હતી. તેમણે આરોપીને વિનંતી કરી કે તે તેના ભાઈ શૈલેષભાઈને સમજાવે કે તેમની પુત્રવધૂને ભૂલી જાય અને કામ ધંધા માટે ગામની બહાર જતો રહે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અગાઉ નાત-જાતના રિવાજ મુજબ સમાધાન થયું હતું કે શૈલેષ ગોવિંદપુર ગામમાં નહીં રહે. તેમની આ વાત આરોપીને સારી ન લાગતા તેણે ઉશ્કેરાઈને ગમે તેમ ગાળો આપવા લાગ્યો હતો. ત્યાર બાદ, આરોપીએ તેમને પાટુ મારીને પછાડી દીધા અને ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો. આ ઉપરાંત આરોપીએ નજીકમાં પડેલી લોખંડની પાઇપ ઉઠાવીને મારતાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.