સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત કતપુર ટોલપ્લાઝા પર છેલ્લા ત્રણ દિવસથી ઇનકમ ટેકસ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સતત ૭૨ કલાકથી ચાલી રહેલી આ તપાસને પગલે ટોલ ટેક્સ સંચાલકો અને સંલગ્ન એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, કરોડો રૂપિયાની આર્થિક ગોલમાલ આચરવામાં આવી હોવાની આશંકાથી આ દરોડા પાડવામાં આવ્યા છે.ઇનકમટેકસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કતપુર ટોલપ્લાઝાની મુખ્ય ઓફિસ તેમજ તેની સાથે સંકળાયેલી એજન્સીઓના વિવિધ સ્થળો પર કડક તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોલ પ્લાઝાની એજન્સીઓ દ્વારા આર્થિક વ્યવહારોમાં મોટા પાયે હેરાફેરી અને ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે. આ સર્ચ ઓપરેશનના અંતે ટોલ ટેક્સ સંચાલકો દ્વારા આચરવામાં આવેલી મોટી આર્થિક ગેરરીતિઓ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે.
નેશનલ હાઈવે પર સ્થિત આ મહત્વના ટોલપ્લાઝા પર આઈટીના દરોડાને પગલે સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ જાગી છે. હાલમાં તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ ઓપરેશન હજુ પણ લંબાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે.