વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે એક સમારોહમાં પીએમ મોદીને એવોર્ડ અર્પણ કર્યો. અગાઉ, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે તાશ્કંદમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને દેશોના પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ બંને રાષ્ટ્રના વડાઓએ કર્યું હતું. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં દ્વિપક્ષીય આર્થિક સહયોગ, ટેકનોલોજી, ઉર્જા, વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન, ભારત-ઉઝબેકિસ્તાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળ વધવાની જાહેરાત કરવામાં આવી હતી.
દ્વિપક્ષીય વાતચીત બાદ, પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, અને બંને પક્ષોની ટીમો આ અંગે સર્વસંમતિ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે પરસ્પર સહયોગના તમામ પાસાઓને માર્ગદર્શન આપવા માટે વિદેશ મંત્રી સ્તરે એક સંકલન પરિષદની સ્થાપના કરવામાં આવશે. સંયુક્ત કમિશનને સચિવ સ્તરથી મંત્રી સ્તર સુધી વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, “અમે પરસ્પર સહયોગના તમામ પાસાઓને માર્ગદર્શન આપવા માટે વિદેશ મંત્રી સ્તરે એક સંકલન પરિષદની સ્થાપના કરીશું. અમે અમારા સંયુક્ત કમિશનને સચિવ સ્તરથી મંત્રી સ્તર સુધી ઉન્નત કરીશું. બંને પક્ષો સંયુક્ત રીતે બંને દેશોના વ્યાપાર નેતાઓને સામેલ કરીને એક વ્યાપાર સમિટનું આયોજન કરશે. અમે યુરેનિયમના પુરવઠા માટે લાંબા ગાળાની વ્યવસ્થા સ્થાપિત કરીશું. આજે, અમે ત્રણ સિસ્ટર-સિટી અને સિસ્ટર-સ્ટેટ વ્યવસ્થા સ્થાપિત કરી રહ્યા છીએ. આપણે તેમની ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે એક રોડમેપ બનાવવો જાઈએ. તમારા દેશમાં ‘ન્યૂ તાશ્કંદ’ જેવા મેગા-પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે; ભારતમાં, અમે ગુજરાતમાં ગિફટ સિટી બનાવ્યું છે. અમને તમારા દેશના એક પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં ખુશી થશે જે ટેકનોલોજીના ઉપયોગનો અભ્યાસ કરી શકે છે.”
રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવે કહ્યું, “પ્રધાનમંત્રી મોદી, હું માનું છું કે તમારા નેતૃત્વ હેઠળ, ભારત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી રહ્યું છે, આર્થિક વિકાસનો ઉચ્ચ દર જાળવી રહ્યું છે અને મોટા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યું છે. ભારત ડિજિટલાઇઝેશન, માહિતી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, અવકાશ સંશોધન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ખરેખર અસાધારણ પ્રગતિ કરી રહ્યું છે. વૈશ્વીક બાબતોમાં નવી દિલ્હીનો અવાજ અને પ્રભાવ વધુ મજબૂત બન્યો છે. તમારા નજીકના મિત્રો તરીકે, અમે ચોક્કસપણે આ બધી સિદ્ધિઓ જોઈને ખૂબ જ ખુશ છીએ.”
અગાઉ, બે દિવસની મુલાકાતે ઉઝબેકિસ્તાનમાં પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી.









































