કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ ગામે માધ્યમિક શાળાનું સંપૂર્ણ નવીનીકરણ, જીર્ણોધ્ધાર અને સુશોભનનું કાર્ય પૂર્ણ થતાં તા. ૦૪/૧૦/૨૦૨૬ના રોજ શાળા ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવી હતી. ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા અને જલ્પેશભાઈ મોવલીયાએ તેમના પિતા સ્વ. બાવાલાલભાઈ ભીખાભાઈ મોવલીયાની પાવન સ્મૃતિમાં શાળાનું નવીનીકરણ કરાવી શિક્ષણ ક્ષેત્રે સેવા કાર્ય હાથ ધર્યુ હતુ. આ પ્રસંગે રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી મોવલીયા પરિવારને આ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.નાની કુંકાવાવ તથા આસપાસના વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ ભવિષ્યની નવી તકો મળી રહે તેવા હેતુથી શાળાના નવીનીકરણનું કાર્ય કરવામાં આવ્યુ છે. શાળાની ઇમારતના નવીનીકરણ સાથે આકર્ષક રંગરોગાન કરવામાં આવ્યું છે. તેમજ શાળાના પરિસરમાં હરિયાળી વિકસાવવામાં આવી છે અને બાળકોને પ્રેરણા મળે તેવા વિવિધ ચિત્રો પણ દિવાલો ઉપર દોરવામાં આવ્યા છે. જેના કારણે શાળાનું વાતાવરણ વધુ સુંદર અને આકર્ષક બન્યુ છે.આવનારી પેઢીના સપનાઓને પાંખો આપતી શિક્ષણસેવાની આ નવી શરૂઆતના પ્રસંગે શિક્ષણવિદો, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મોવલીયા પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યને આવકાર્યુ હતુ. સ્વ. બાવાલાલ મોવલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના અવસરે તેમના પુત્રો દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલ આ સેવાકાર્યને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યુ હતુ. શિક્ષણના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાના આ પ્રયાસને સૌએ પ્રશંસનીય ગણાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદયભાઈ દેસાઈએ કર્યુ હતું.







































