સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ધોરાજીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે અત્યાર સુધીમાં ૨૨ ફોર્મ ભરાયા છે, જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે ૪ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.ભાજપ દ્વારા તમામ ૧૬ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાદાજાળીયાથી નીતાબેન ચાવડા, મોટી મારડ-૨ થી ભાવેશભાઈ હુંબલ અને પાટણવાવથી મહિપતપુરી ગોસ્વામી સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની મોટી મારડ બેઠક પર અંજુબેન મુછડીયા અને સુપેડી બેઠક પર પારુલબેન કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે. તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.





































