અમરેલી સ્થિત ડા. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને અત્યાધુનિક અને અનુભવ આધારિત શિક્ષણ પૂરું પાડવાના હેતુથી સૌરાષ્ટ્રની સર્વપ્રથમ 7D વર્ચ્યુઅલ રિયાલિટી (ફઇ) લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લેબનું ભવ્ય ઉદ્ઘાટન ઇફકો (IFFCO)ના ચેરમેન અને સહકારી અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદહસ્તે સંપન્ન થયું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે શ્રી દિલીપભાઈ સંઘાણીએ સ્વયં 7D વર્ચ્યુઅલ રિયાલિટી ચેરનો રોચક અનુભવ મેળવીને તેની શૈક્ષણિક ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે શિક્ષણક્ષેત્રે ટેકનોલોજી અને નવીનતાના સમન્વયને બિરદાવ્યો હતો. ‘મેક ઇન ઇન્ડિયા’ ની સંકલ્પના હેઠળ તૈયાર કરાયેલી આ લેબ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ તથા અવકાશ વિજ્ઞાન જેવા જટિલ વિષયોને પ્રત્યક્ષ અનુભવીને સરળતાથી સમજી શકશે.
આ પ્રસંગે શાળાના જય કાથરોટિયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, શ્રીમતી ગીતાબેન સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા, જયંતીભાઈ પાનસુરિયા, દિપકભાઈ માલાણી, બાબુભાઈ સખવાળા અને એમ. કે. સાવલિયા સહિતના અનેક અગ્રણીઓ તથા સહયોગીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ડા. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા હાથ ધરાયેલી આ આગવી પહેલથી “જોવું નહીં, પરંતુ અનુભવવું અને શીખવું”ના અભિગમને નવું બળ મળશે. સ્થાનિક સ્તરે જ વિશ્વસ્તરીય ટેકનોલોજીનો લાભ મળતાં અમરેલી તથા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આ અવસર નવીન શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.






































