ભારતમાળા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોરમાંથી સ્ટીલના સળિયાની ચોરીનો એક મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે. દાહોદ જિલ્લાના આંબા ગામે પ્રોજેક્ટ સાઇટ પરથી લાખોની કિંમતના સ્ટીલના સળિયાની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. આ મામલે લીમડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતો મુજબ, દિલ્હી-મુંબઈ કોરિડોરના પેકેજ નંબર ૨૬માંથી સ્ટીલના સળિયાની ચોરી કરવામાં આવી હતી. તસ્કરોએ આ સળિયા ચોરી કરીને સ્થાનિક સળિયા ભંડારમાં વેચવા માટેની પેરવી કરી હતી. જાકે, બાતમીના આધારે લીમડી પોલીસે વોચ ગોઠવીને સ્ટીલના સળિયા ભરેલી એક બોલેરો પીકઅપ ગાડીને ઝડપી પાડી હતી. પોલીસે ગાડીમાંથી અંદાજે ૮ હજાર કિલોગ્રામ સ્ટીલનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત ૫.૨૦ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.
આ ચોરીના મામલામાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, ભારતમાળા પ્રોજેક્ટમાં કાર્યરત પેટા કોન્ટ્રાક્ટ કંપની ‘આશાપુરા પ્રાઈવેટ લિમિટેડ’ના સુપરવાઇઝરની પણ આમાં મિલીભગત હતી. ઘરનો જ ભેદી લંકા ઢાળે તેમ, પ્રોજેક્ટની સુરક્ષા અને દેખરેખની જવાબદારી જેમના શિરે હતી, તે સુપરવાઇઝરે જ તસ્કરો સાથે મળીને આ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આ પ્રકરણમાં ત્રણ ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતો કંપનીનો સુપરવાઇઝર હાલ ફરાર છે. પોલીસે ગુનામાં વપરાયેલી બોલેરો પીકઅપ ગાડી અને લાખોનું સ્ટીલ કબજે કરીને કંપની અને અન્ય સંડોવાયેલા શખ્સો સામે કડક તપાસ શરૂ કરી છે.
હાલમાં લીમડી પોલીસ દ્વારા ફરાર સુપરવાઇઝરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે અગાઉ પણ આ રીતે પ્રોજેક્ટ સાઇટ પરથી સ્ટીલ કે અન્ય કિંમતી સામાનની ચોરી કરવામાં આવી છે કે કેમ. આ ઘટના બાદ ભારતમાળા પ્રોજેક્ટની સાઇટ પર સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.









































