સૌરાષ્ટ્ર ની જીવાદોરી સમાન ભાદર નદી ફરી એકવાર પ્રદૂષણના ખપ્પરમાં હોમાઈ છે. જેતપુરના પ્રદૂષણ માફિયાઓ દ્વારા શિયાળાની મધ્યમાં નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા કેરાળી ગામ પાસે નદીમાં ફીણના ગોટા ઉડતા જાવા મળ્યા હતા. નદીની આ હાલત જાઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જેતપુરના ગેરકાયદેસર એકમો દ્વારા કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું ભાદર નદીમાં વહાવવામાં આવી રહ્યું છે, જેના ગંભીર પરિણામો સામે આવ્યા છે. આ પ્રદૂષણને કારણે કેરાળી ગામ પાસેથી પસાર થતી નદીમાં ફીણની સફેદ ચાદર છવાઈ ગઈ છે અને નદીનું પાણી હવે પીવાલાયક કે ખેતીલાયક રહ્યું નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્રદૂષણનું પ્રમાણ એટલું હદે વધી ગયું છે કે નદી પરથી ફીણના ગોટા હવામાં ઉડી રહ્યા છે, જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યો છે.
ભાદર નદીના પ્રદૂષણથી કંટાળીને કેરાળી વિસ્તારના ખેડૂતો નદી કાંઠે એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોની માંગ છે કે નદીને પ્રદૂષિત કરનારા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રદૂષણ તાત્કાલિક બંધ કરવામાં આવે.
સૌથી મોટો આક્ષેપ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર લાગી રહ્યો છે, જ્યાં લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા માત્ર સમયાંતરે પાણીના નમૂના લેવાની ઔપચારિકતા જ કરવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહીના નામે શૂન્ય છે. આરોપ છે કે પ્રદૂષણ માફિયાઓ રાત્રિના સમયે ઝેરી પાણી નદીમાં ઠાલવી રહ્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જાવા મળી રહ્યો છે.