જાફરાબાદના ખારવા સમાજ તેમજ અમરેલી જિલ્લાનું ગૌરવ વધારનાર લેખક વિષ્ણુભાઈ ભાલિયાનું સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સરકાર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ૧૭ નાગરિકોનું સન્માન થયું હતું. તેમાં સાહિત્ય ક્ષેત્રે વિષ્ણુભાઈ ભાલિયાનો સમાવેશ થતાં ખારવા સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની નવલકથા ‘ખારા પાણીને ખમ્મા’ને અનેક સાહિત્યિક એવોર્ડ મળી ચૂક્યા છે.







































