અમદાવાદમાં ચંડોળા-ઇસનપુર તળાવ વિવાદ બાદ હવે અસલાલી તળાવમાં થયેલા ગેરકાયદે દબાણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ છે. અસલાલી તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને નોટિસ આપવામાં આવ્યા બાદ આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.
સુનાવણી દરમિયાન ઔડા દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અસલાલી તળાવ વિસ્તારમાં અનેક પરિવારો દ્વારા દબાણ કરાયું હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. ઔડા તરફથી રજૂઆત કરવામાં આવી કે તળાવ વિસ્તારમાં છેલ્લા ૨૦ થી ૪૦ વર્ષથી અનેક પરિવારો વસતા હોવાની સ્થિતિ પણ સામે આવી છે. અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મામલાને ગંભીર ગણાવતા અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક કમિટીનું ગઠન કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટના નિર્દેશ મુજબ એક સપ્તાહની અંદર મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરની ટીમ સાથે કમિટી બનાવી સર્વે હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સર્વે દરમિયાન પુનર્વસન માટે યોગ્ય પરિવારોની રજૂઆત સાંભળવાની રહેશે અને તેમની બાબતે યોગ્ય અને વિગતવાર જવાબ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. સુનાવણી દરમિયાન એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે અસલાલી તળાવમાં થયેલા દબાણના કારણે નેશનલ હાઇવે તેમજ તળાવના વિકાસ કામો પર ગંભીર અસર પડી છે અને વિકાસ પ્રક્રિયા લાંબા સમયથી અટવાઈ છે. હાલ આ મામલે હાઇકોર્ટ દ્વારા એપ્રિલ માસમાં ફરીથી સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.