બે બ્રાહ્મણો – અભિનેતા મનોજ વાજપેયી અને નિર્દેશક નીરજ પાંડેની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના નામ સામે દેશમાં આક્રોશ છે. મોદી સરકારના યુજીસીના નિયમો સામે આક્રોશ હતો જ ત્યાં આ ફિલ્મે તેને ભડકાવવાનું કામ કર્યું છે. મોદી સરકારનું જ સેન્સર બાર્ડ આવું નામ કેવી રીતે પસાર થવા દે છે તે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. આટલી બધી ભાજપ સરકારોમાં માત્ર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એફઆઈઆર નોંધી છે. તેનું કારણ ત્યાં બ્રાહ્મણોની જનસંખ્યા ૧૩ ટકા છે અને માયાવતીએ ૨૦૨૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુદ્દારૂપી શસ્ત્રોની ધાર કાઢવા લાગી છે.
માયાવતી ૨૦૦૭નો જીતનો જાદુ ૨૦૨૬માં ફરી સર્જવા માગે છે. આથી યુજીસીના નિયમો હોય કે પછી ‘ઘૂસખોર પંડત’નો વિવાદ, માયાવતી સવર્ણોની તરફેણમાં મક્કમ વલણ અપનાવતા દેખાઈ રહ્યા છે. એ પણ એક વિરોધાભાસ જ છે ને કે જે માયાવતી એક સમયે દલિતોની રાજનીતિને લઈને ચાલ્યા હતા તેઓ ૨૦૦૭માં અને હવે ૨૦૨૬માં સવર્ણોનો સાથ પણ માગી રહ્યા છે !
એવું નથી કે ભારતમાં બ્રાહ્મણોનો વિરોધ કરનાર અથવા જાતિવાદી રાજકારણ રમનાર સૌ પ્રથમ કાંશીરામ-માયાવતી હતા. ઈ.સ. ૧૯૧૬માં સાઉથ ઇન્ડિયન લિબરલ ફાઉન્ડેશન (જસ્ટિસ પાર્ટી)ની રચના સાથે દ્રવિડિયન ચળવળના આરંભની સાથે બ્રાહ્મણોનો વિરોધ શરૂ થયો હતો. તેની પાછળ ઈ.વી. રામસ્વામી પેરિયારનું નામ ઉભરીને આવે છે, પણ આ અપૂર્ણ સત્ય છે.
ભારતીયોને સદાય વિભાજીત રાખવા અંગ્રેજોએ ૧૮૫૭ના પ્રખર સ્વતંત્રતા સંગ્રામ પછી પ્રયત્નો શરૂ કરી દીધા હતા. કહેવાતા જર્મન વિદ્વાન એફ. મેક્સ મૂલરે વેદ, ઉપનિષદ, હિતોપદેશ ઇત્યાદિનું અંગ્રેજીમાં વિકૃત રીતે ભાષાંતર કર્યું હતું. કોઈ કહે કે મેક્સ મૂલર તો જર્મન હતો, તે અંગ્રેજોનો પીઠ્ઠુ શા માટે બને? તો ઉત્તર એ કે તે જર્મનીમાં જન્મેલો હતો, પરંતુ બ્રિટનની આૅક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતો. મેક્સ મૂલરને વેદોના અભ્યાસમાં કોઈ રસ નહોતો. તે તો માનતો હતો કે ભારતને ખ્રિસ્તી બનાવી દેવું જોઈએ. તે માનતો હતો કે ભારત સડેલું ઝાડ છે અને અંગ્રેજ સરકાર તેને નહીં પાડી શકે. તેણે આ કામ માટે પોતાનું જીવન આપી દેવા અથવા બનતી બધી સહાય કરવા તૈયારી બતાવી હતી. (ધ લાઇફ ઍન્ડ લેટર્સ આૅફ ધ રાઇટ આૅનરેબલ ફ્રેડરિક મેક્સ મૂલર)
આ માટે જ તે સંસ્કૃત શીખ્યો.
મેક્સમૂલર આૅક્સફર્ડની કઈ કાલેજમાં હતો? ક્રાઇસ્ટ ચર્ચ કાલેજ ! આ કાલેજની સ્થાપના ઇંગ્લેન્ડના રાજા હેન્રી આઠમાએ ઇંગ્લેન્ડના ચર્ચના પુનર્ગઠનના ભાગ રૂપે કરી હતી.
તમે મેક્સમૂલર-રાજા રામમોહન રાય-બ્રહ્મોસમાજ અને રાબર્ટ કાલ્ડવેલની આખી કડી (લિંક) જોશો તો તમને સમજાશે કે ભારતને આર્ય વિરુદ્ધ દ્રવિડ, બ્રાહ્મણ વિરુદ્ધ દલિત,
સંસ્કૃત/હિન્દી વિરુદ્ધ દક્ષિણની ભાષાઓમાં વિભાજીત કરવાનાં બીજ કઈ રીતે આરોપાયાં હતા, જે આજે ભારતને હેરાન કરી રહ્યા છે. મેક્સ મૂલરે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં ખ્રિસ્તીની જેમ સુધારાની આવશ્યકતા છે. બ્રહ્મોસમાજ નામની સંસ્થાએ આ કામ ઉપાડી લીધું. તેના સિદ્ધાંતો જાણવા પણ અત્રે આવશ્યક છે. તે કોઈ ધર્મગ્રંથને અંતિમ માનતો નહોતો. તે અવતારવાદમાં માનતો નહોતો. તેણે બહુઇશ્વરવાદ અને મૂર્તિપૂજાનું ખંડન કર્યું.
ઈ.સ. ૧૭૯૨માં બ્રિટિશ બાપ્ટિસ્ટ અને જૂતા બનાવનાર વિલિયમ કેરીએ મિશનરી અંગે એક પુસ્તક બહાર પાડ્‌યું હતું ‘એન ઇન્ક્વાયરી આૅફ ધ આૅબ્લિગેશન્સ આૅફ ક્રિશ્ચિયન્સ ટૂ યૂઝ મીન્સ ફાર ધ કન્વર્ઝન આૅફ હેધન્સ’. પુસ્તકમાં હેધન્સ એટલે કે મૂર્તિપૂજકો (જેને મુસ્લિમો કાફિર કહે છે તેને ખ્રિસ્તીઓ હેધન્સ અથવા પાગન કહે છે)ને ખ્રિસ્તી બનાવવાના કામમાં લાગેલા ખ્રિસ્તીઓની નૈતિક જવાબદારીઓની વાત હતી. કેરી માનતો હતો કે મૂર્તિપૂજકોને ખ્રિસ્તી બનાવવા માટે તેમની વચ્ચે મિશનરી કાર્ય શ્રદ્ધાળુઓ (ખ્રિસ્તીઓ)ની અનિવાર્ય જવાબદારી છે.
કેરી એક વર્ષ પછી ભારત આવ્યો. તેનો ઉદ્દેશ્ય એ જ હતો જે તેણે પુસ્તકમાં લખ્યો હતો, ભારતીય ભાષાઓમાં બાઇબલને અનુવાદિત કરાવી તેને ભારતીયોની વચ્ચે વહેંચવું અને ખ્રિસ્તી પંથનો પ્રચાર-પ્રસાર કરવો. તેને આના માટે નોકરીયાત બ્રાહ્મણો ઉચિત લાગ્યા. એટલે તેણે સંસ્કૃતના વિદ્વાન સૈહર્દના વિદ્યાવગીશનો સંપર્ક કર્યો. વિદ્યાવગીશે તેને રાજા રામમોહન રાય સાથે ભેટો કરાવ્યો.
એમ કહેવાય છે કે ઈ.સ. ૧૭૯૬ આસપાસ આ ત્રણેયે મળીને સંસ્કૃતમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું, ‘મહા નિર્વાણ તંત્ર’. આ પુસ્તકમાં શિવજી અને પાર્વતીજીના સંવાદના નામે આ લોકોને જે કહેવું હતું તે કહ્યું. તમે જુઓ, અંગ્રેજોએ આ પુસ્તકના ન્યાયી (જ્યુડિશિયલ)ને લગતા અનુચ્છેદો (સેક્શન્સ)ને બંગાળનાં ન્યાયાલયોમાં હિન્દુ વિધિ (કાયદા) તરીકે લાગુ કરી દીધા !
ઈ.સ. ૧૭૯૭માં રાજા રામમોહન રાયે બાઇબલના એક ભાગનો અનુવાદ કરી નાખ્યો. ઈ.સ. ૧૮૦૪માં આ જ રાજા રામમોહન રાયે ફારસીમાં એક પુસ્તક લખ્યું, ‘તુહફત-ઉલ-મુવાહિદ્દિન’. આ નામનો અર્થ થાય છે ‘એકેશ્વરવાદીઓને ભેટ’. આગામી બે
આભાર – નિહારીકા રવિયા દાયકાઓ સુધી રાજા રામમોહન રાયે વિલિયમ કેરી સાથે મળીને તેમના પોતાના – ‘કુલિન બ્રાહ્મણો’ સહિત બંગાળના હિન્દુઓ પર પ્રહારો કર્યા. ઈ.સ. ૧૮૩૦માં રાજા રામમોહન રાય તત્કાલીન મોગલ બાદશાહ અકબર શાહ દ્વિતીયના પ્રતિનિધિ રૂપે ઇંગ્લેન્ડ ગયા હતા. આ મોગલ બાદશાહે જ તેમને ‘રાજા’નું શીર્ષક આપ્યું હતું, બાકી રામમોહન રાય રાજા-બાજા કંઈ નહોતા.રાજા રામમોહન રાયે સ્થાપેલા બ્રહ્મોસમાજ દ્વારા બાળ વિવાહ વિરુદ્ધ અભિયાન છેડાયું અને ઈ.સ. ૧૮૭૨માં વિશેષ વિવાહ અધિનિયમ અંગ્રેજો લાવ્યા, પરંતુ બ્રહ્મોસમાજમાં જે લગ્નો કરાવવામાં આવતા, તેમાં જાહેર કરવું પડતું, ‘હું હિન્દુ નથી, હું મુસ્લિમ નથી, હું ખ્રિસ્તી નથી’. સ્વાભાવિક જ મુસ્લિમ કે ખ્રિસ્તી તો લગ્ન કરાવવા ત્યાં આવતા નહીં જ હોય. આમ, સ્પષ્ટ છે કે બ્રહ્મોસમાજ હિન્દુને મનથી અહિન્દુ બનાવવા માટે વધુ સક્રિય હતું.
આવા બ્રહ્મોસમાજને મેક્સમૂલરનું સમર્થન હતું. તે માનતો હતો કે બ્રહ્મોસમાજ ભારતીયોને ખ્રિસ્તી બનાવી દેશે. મેક્સમૂલરના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સત્તાએ ભારતમાં શૈક્ષણિક સુધારા કરવા માટે વિશાળ માત્રામાં નાણાં ખર્ચ્યા.
ભારતમાં ખ્રિસ્તી પંથના પ્રસાર માટેના આ પ્રયાસો અને રાજા રામમોહન રાય દ્વારા બ્રાહ્મણોના વિરોધ વચ્ચે, ઈ.સ. ૧૮૩૮માં બીજા મિશનરીનું મદ્રાસ (ચેન્નાઈ)માં આગમન થાય છે. તેનું નામ રાબર્ટ કાલ્ડવેલ. બધા મિશનરી એ બાબતે એક મત હતા કે ભારતમાં ખ્રિસ્તી પંથનો પ્રચાર-પ્રસાર કરવો હોય તો સ્થાનિક ભાષા શીખવી પડે. કાલ્ડવેલ તમિળ ભાષા શીખ્યો.
ભારત આવીને જ તેને ઈ.સ. ૧૮૭૭માં ‘બિશપ’ પદ મળ્યું. તેણે ‘મૂળ નિવાસી’નો વિચાર આપતા કહ્યું કે કથિત નિમ્ન જાતિના ‘ચનાર’ (શનાર અથવા નાદર) માત્ર તમિળ ભાષી જ નથી, તેઓ મૂળ નિવાસી દ્રવિડ લોકો છે, તેઓ ઉચ્ચ જાતિના લોકો જે શોષક છે, તેનાથી સાવ જુદા છે. આ ઉચ્ચ જાતિના લોકોને તેણે નામ આપ્યું ‘બ્રાહ્મણવાદી આર્યો’. આ રીતે જન્મી આર્ય-અનાર્યની થિયરી. હિન્દુઓ (આર્યો) બહારથી આવ્યા હતા અને દક્ષિણમાં અનાર્યો (દ્રવિડો)ને તેમણે દાસ બનાવ્યા હતા.
રાબર્ટ કાલ્ડવેલે એવો પણ દાવો કર્યો કે દ્રવિડ બોલીઓ સૌથી પ્રાચીન છે. આજે પણ એવો દાવો થાય છે કે તમિળ સૌથી પ્રાચીન ભાષા છે, સંસ્કૃત નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વાત વારંવાર કહે છે. (તેમનો હેતુ તમિળનાડુમાં ચૂંટણી જીતવી હોઈ શકે કારણ કે તેઓ સત્તામાં આવ્યા ત્યારથી તમિળ કવિ, તમિળ બાબતોનો પ્રચાર કરે છે, આ વહી ખાતાની રજૂઆત સમયે નિર્મલા સીતારમણે તમિળનાડુની પ્રખ્યાત કાંજીવરમ્‌ સાડી પહેરી હતી, મોદીજી ગત ૭-૮ ફેબ્રુઆરીએ મલેશિયા ગયા ત્યાં તેમણે મલેશિયાના લોકો અને તમિળ વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની વાતો કરી હતી.)
બરાબર સમજજો, રાબર્ટ કાલ્ડવેલે આ થિયરી ઈ.સ. ૧૮૫૬માં ‘અ કમ્પેરેટિવ ગ્રામર આૅફ ધ દ્રવિડિયન આૅર સાઉથ ઇન્ડિયન ફેમિલી આૅફ લેંગ્વેજિસ’ પુસ્તકમાં આપી હતી. અર્થાત પુસ્તક ભાષાઓ પરનું, પરંતુ બીજ વાવી દીધાં- આક્રાંતા વિરુદ્ધ મૂળ નિવાસી, ઉત્તર વિરુદ્ધ દક્ષિણ, હિન્દુ વિરુદ્ધ અહિન્દુ, બ્રાહ્મણ વિરુદ્ધ દલિતોનાં. (મુખ્ય પ્રધાન અને દ્રમુક નેતા એમ.કે. સ્ટાલિને આ જ વિષનો પ્રસાર તમિળનાડુની આગામી ચૂંટણી જીતવા કર્યો છે કે ૨૦૨૬ની ચૂંટણી આર્ય વિરુદ્ધ દ્રવિડની લડાઈ છે !)
કાલ્ડવેલની આ થિયરીથી બે લાભ હતાઃ એક, અંગ્રેજોની સત્તા લંબાતી હતી અને બે, ખ્રિસ્તી પંથના પ્રચાર-પ્રસારને અનુકૂળતા સર્જાતી હતી. રાબર્ટ કાલ્ડવેલનું પુસ્તક ઈ.સ. ૧૮૫૬માં આવ્યું એટલે કે ઈ.સ. ૧૮૫૭ના એકદમ ઉકળતા ચરુ જેવા સ્વતંત્રતા સંગ્રામના એક વર્ષ પહેલા. જો આ સંગ્રામ સુનિયોજિત અને સંગઠિત રીતે થયો હોત તો અંગ્રેજોનું શાસન ભારતમાંથી ઉખડી ગયું હોત. રાબર્ટ કાલ્ડવેલને આ અંગેની જાણકારી અંગ્રેજોએ (ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ) ન પહોંચાડી હોય તેવું બને?
આમ, જસ્ટિસ પાર્ટી અને પેરિયાર પહેલાં રાબર્ટ કાલ્ડવેલે તમિળ ભાષીઓમાં બ્રાહ્મણો, હિન્દી/સંસ્કૃત ભાષા તેમજ હિન્દુ ધર્મ વિરુદ્ધનું ઝેર પ્રસરાવી દીધું હતું. અહીં એ પણ વિચારવું જોઈએ કે રાબર્ટ કાલ્ડવેલ જેને નિમ્ન જાતિ અને પીડિત કહેતો હતો તે ચનાર (શનાર અથવા નાદર) સમુદાયના ચળવળકારો દાવો કરે છે કે તેઓ પંડ્‌યા અથવા પાંડિયન રાજાઓના વંશજો છે. જો રાજાઓના વંશજો હોય તો પીડિત કેવી રીતે થયા?
બીજું, નાદર સમુદાયના ચળવળકારો એવો પણ દાવો કરે છે કે (તેલુગુ વંશી) નાયક શાસકોએ પંડ્‌યા દેશ જીતી લીધો અને તે સમયના નાદરો પર દેશપ્રષ્ટમ (દેશ- આજના સંદર્ભમાં રાજ્ય બહાર) કરી દીધા જેથી તેઓ ઊંચા ન આવે. આ બાબત જો સાચી હોય તો તેનાથી પણ રાબર્ટ કાલ્ડવેલની એ થિયરીનો છેદ ઊડી જાય છે કે આર્યો બહારથી આવ્યા હતા અને તેમણે દ્રવિડોને જીતી તેમને દાસ બનાવ્યા હતા. ઉત્તર વિરુદ્ધ દક્ષિણની થિયરીનો પણ છેદ ઊડી જાય છે.
પરંતુ આ થિયરીનો એવો તો જબરદસ્ત પ્રભાવ પડ્‌યો કે લોકમાન્ય તિલક જેવા ચુસ્ત હિન્દુવાદી પણ તેને માનવા લાગ્યા હતા. તેમણે ઈ.સ. ૧૯૦૩ના તેમના પુસ્તક ‘ધ આર્ક્ટિક હામ
આભાર – નિહારીકા રવિયા ઇન ધ વેદ્‌સ’માં લખ્યું કે આર્યોનું મૂળ ઉત્તર ધૃવ પ્રદેશ છે ! રાબર્ટ કાલ્ડવેલની આ થિયરીને તિલક ઉપરાંત મેક્સ મૂલરનું પણ સમર્થન હતું.
ઈ.સ. ૧૯૨૦માં જસ્ટિસ પાર્ટીએ મદ્રાસ પ્રેસિડેન્સી (આજનું તમિળનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કેરળ) પ્રાંતમાં ચૂંટણી જીતી. તે સમયે બ્રાહ્મણોની જનસંખ્યા ત્રણ ટકા જ હતી (તેમાં તમિળ, તેલુગુ અને મલયાળી એ બધા બ્રાહ્મણો આવી ગયા), પરંતુ અંગ્રેજી અને સંસ્કૃત શીખેલા હોવાથી સરકારી પદો પર તેઓ હતા. આથી જસ્ટિસ પાર્ટીએ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણી કરી (આ માગણી પહેલી નહોતી. પશ્ચિમમાં આ માગણી નહોતી તોય તેને પૂરી કરનારા હિન્દુ રાજાઓ હતા, તેની વાત આવતા અંકે જોઈશું). આ પક્ષે હામ રૂલ મૂવમેન્ટ અને ગાંધીના અસહકાર આંદોલનનો પણ વિરોધ કર્યો. (સંઘ અગ્રણીઓએ સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નથી લીધો તેવું જૂઠાણું ફેલાવતા લોકો આ વાત નહીં કહે.) તેના કાંગ્રેસના વિરોધનું કારણ એ હતું કે કાંગ્રેસ બ્રાહ્મણોનો પક્ષ હતો. ઈ.સ. ૧૯૩૦ના દાયકામાં રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બનતાં જસ્ટિસ પાર્ટીમાંથી ઘણા નેતાઓએ કાંગ્રેસમાં પક્ષપલટો કર્યો. જસ્ટિસ પાર્ટી શાસનમાં હતી ત્યારે તેનો ભ્રષ્ટાચાર અને બાદશાહી ઠાઠ પણ ચરમ પર હતો. જ્યારે કેન્દ્રીય પ્રાંતોમાં પ્રધાનો મહિને રૂ. ૨,૨૫૦ પ્રતિ માહ પગાર લેતા હતા ત્યારે જસ્ટિસ પાર્ટીના પ્રધાનો પ્રતિ માહ રૂ. ૪,૩૩૩.૬૦ પ્રતિ માહ પગાર લેતા હતા. આજના કરોડો રૂપિયા થયા કારણ કે ત્યારે આના (ચાર આના, આઠ આના)માં હિસાબ થતો.
પોતાને બ્રાહ્મણ વિરોધી કહેતો આ પક્ષ ખેડૂત વિરોધી હતો. (કોના ઈશારે આ કામ કરતો?) તેણે જમીનદારી સિવાયના વિસ્તારોમાં ૧૨.૫ ટકા વેરો ઝીંકતા ખેડૂતો રોષે ભરાયા હતા. પ્રધાનો ભ્રષ્ટાચાર પણ ખૂબ જ કરતા હતા. ઈ.સ. ૧૯૩૪માં તે ચૂંટણી હારી ગઈ પરંતુ મોતીલાલ નહેરુ-ચિત્તરંજન દાસે સ્થાપેલા પક્ષ સ્વરાજને બહુમતી મળી હોવા છતાં તેણે સરકાર ન રચતાં લઘુમતીમાં રહીને જસ્ટિસ પાર્ટીએ શાસન કર્યું. (મોતીલાલ નહેરુએ કેમ પોતાના જ પક્ષની સરકાર નહીં રચવા દીધી હોય?)
ઈ.સ. ૧૯૩૭માં રાજાજી (સી. રાજગોપાલાચારી)ના નેતૃત્વમાં કાંગ્રેસ સરકાર રચાઈ. તેણે હિન્દી શિક્ષણ ફરજિયાત બનાવ્યું. આથી જસ્ટિસ પાર્ટીને નવજીવન મળ્યું. તે ઈ. પેરિયારના નેતૃત્વમાં સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટમાં જોડાઈ. આ પેરિયાર કોણ હતા? એક પૂર્વ કાંગ્રેસી ! અર્થાત્ ઉધર ભી કાંગ્રેસી (સી. રાજગોપાલાચારી અને મોતીલાલ નહેરુ) અને ઇધર ભી કાંગ્રેસી (પેરિયાર). આખું રાજકારણ સમજ્યા? પેરિયાર દ્રવિડનાડુ નામનું અલગ રાષ્ટ્ર બનાવવા માગતા હતા. આજે પણ કર્ણાટકના કાંગ્રેસી નેતા દક્ષિણનાં રાજ્યોના અલગ રાષ્ટ્રની વાત કરે છે.
(બ્રાહ્મણ વિરોધી રાજકારણ અંગે વધુ વાત આવતા અંકે.)

આજે આ પ્રચંડ બ્રાહ્મણ વિરોધ જોવા મળે છે તેની પાછળ અંગ્રેજોની અને ખ્રિસ્તી મિશનરીઓની સદીઓની મહેનત છે. મેક્સ મૂલર, રાજા રામમોહન રાય, બ્રહ્મોસમાજ અને રાબર્ટ કાલ્ડવેલની કડી મેળવીશું તો આ આખી વાત સમજાશે.