સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની સિઝનની રેકોર્ડબ્રેક અંદાજે ૨.૨૫ લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. શનિવાર સવારથી જ ખેડૂતો પોતાના વાહનો લઈને આવી પહોંચ્યા હતા અને યાર્ડની બાજુમાં આવેલી ૪૫ વીઘા જમીનમાં આશરે ૧૮૦૦થી વધુ વાહનોની કતારો લાગી ગઈ હતી. રવિવારે મોડી રાત્રે ઘઉંની આવક શરૂ કરાતા નવી ખરીદેલી જમીન ઉપરાંત યાર્ડના છાપરા નીચે માલ ઉતારવામાં આવતા યાર્ડનું મેદાન પણ ટૂંકું પડ્‌યું હતું અને ઠેર ઠેર ઘઉંના ડુંગરો ખડકાયા હતા. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાના જણાવ્યા અનુસાર ઘઉંની હરાજીમાં ખેડૂતોને ૨૦ કિલો ટુકડા ઘઉંના ૪૫૦ થી ૮૫૦ રૂપિયા અને લોકવન ઘઉંના ૪૫૦ થી ૬૩૦ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. હાલ પુષ્કળ આવકને લીધે નવી આવક સદંતર બંધ કરાઈ છે. ખેડૂતોના માલની સંપૂર્ણ સુરક્ષા અને પોષણક્ષમ ભાવો મળતા હોવાથી જ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મોરબી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા આવે છે.