રાજ્યભરમાં પ્રારંભ થયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના દ્વિતીય દિવસે, ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-૧ અને ૯ના કુલ ૧૦૯ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ અંતર્ગત આજે આંગણવાડીના ૨૦, બાલવાટિકાના ૩૭ અને ધોરણ-૧તથા ૯ ના ૫૩ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં નવા શૈક્ષણિક સત્રમાં જોડાયા હતા.
આ અવસરે શિક્ષણનું મહત્વ સમજાવતા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના વિઝનરી અભિયાનને લીધે આજે શૈક્ષણિક ક્ષેત્રે ડ્રોપ-આઉટ રેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક સમય હતો જ્યારે મહિલાઓએ અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આજે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં ટોપર બનીને દેશનું ગૌરવ વધારી રહી છે. દેશના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ પર પણ આજે એક મહિલા બિરાજમાન છે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે. દીકરીઓ આત્મનિર્ભર બનશે, તો જ સશક્ત સમાજનું નિર્માણ થશે.
કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારત બનવા માટે સૌપ્રથમ આત્મનિર્ભર માણસ બનવું જરૂરી છે. ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. આપણા આંગણે જ ગિફ્ટ સિટી જેવું વૈશ્વીક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓ માટે વિકાસના અનંત દ્વાર ખુલ્યા છે. શિક્ષણમાં ડિજિટલ ક્લાસરૂમ અને એનિમેશન જેવા આધુનિક સાધનો આવકાર્ય છે, પરંતુ તેની નકારાત્મક બાજુ તરફ ધ્યાન દોરતા તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, ટેક્નોલોજીના અતિરેકથી બાળકોનો ‘સ્ક્રીન ટાઈમ’ ચિંતાજનક રીતે વધ્યો છે. પરિણામે, નવી પેઢીમાં પુસ્તક પઠન અને મેદાની રમતો પ્રત્યેનો રસ ઓછો થઈ રહ્યો છે.
કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં ઉમેર્યું કે, જો ભવિષ્યમાં ઇએએએસ,આઇપીએસ,ડીપીઓ મામલતદાર કે ટીડીઓ જેવી ઉચ્ચ વહીવટી પદવીઓ પ્રાપ્ત કરવી હોય, તો રોજ ૪ થી ૫ કલાક નિયમિત પુસ્તક પઠનની ટેવ પાડવી અનિવાર્ય છે. તેમણે પોતાના સંઘર્ષનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, પોતે મૂળ મહારાષ્ટ્રÙના વતની હોવા છતાં, ગુજરાતી ભાષા શીખીને આજે ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક વહીવટી સેવાઓ આપી રહ્યા છે. અંતમાં, બાળકોમાં એકાગ્રતાના વિકાસ માટે નિયમિત યોગાભ્યાસ કરવા તેમજ વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતાના સંસ્કારો કેળવવા માટે તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ગામના સરપંચ અને વિવિધ સંસ્થાઓના જનભાગીદારીથી શાળામાં આશરે રૂ. ૫૦ થી ૬૦ લાખના ખર્ચે ઊભા કરાયેલા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ નવીન કમ્પ્યુટર લેબની કલેક્ટરએ પ્રશંસા કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે કલેક્ટરના હસ્તે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના’ અને ‘જ્ઞાન સેતુ’ મેરિટ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના મુખ્ય આચાર્ય ડા. અશ્વીનભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન દ્વારા શાબ્દીક અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાહપુર ગામના સરપંચ અર્પિતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડા. પિયુષ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા, એ.જી ઓડીટ ઓફિસર- એચ.કે. શ્રીવાસ્તવ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































