ભારતે તિરુવનંતપુરમમાં પ્રથમ વનડેમાં વેસ્ટ ઇન્ડીઝને ૮ વિકેટથી હરાવ્યું. વેસ્ટ ઇન્ડીઝે ભારતને ૨૯૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતીય ટીમે વિરાટ કોહલી અને શુભમન ગિલની શાનદાર સદીઓને કારણે સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. આ મેચમાં, વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, માત્ર ૮૮ બોલમાં ૧૩૯ રન બનાવ્યા, જેમાં ૧૦ ચોગ્ગા અને ૯ છગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચવિનિંગ ઇનિંગ સાથે, વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો અને એક અનોખો રેકોર્ડ બનાવ્યો.
અત્યાર સુધીની વનડે મેચોમાં, જેમાં ભારતે પીછો કરતી વખતે જીત મેળવી છે, વિરાટ કોહલી ૧૧૨ વખત ટીમનો ભાગ રહ્યો છે, જ્યારે પોન્ટિંગ ફક્ત ૧૧૧ વખત જ આવું કરી શક્યો છે. સચિન તેંડુલકર રન પીછો કરતી વખતે ૧૨૭ જીત સાથે યાદીમાં ટોચ પર છે. બીજા સ્થાને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે, જેમના નેતૃત્વમાં ભારતે પીછો કરતી વખતે ૧૧૬ મેચ જીતી છે. વિરાટ કોહલી હવે ૧૧૨ જીત સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે પોન્ટિંગ ચોથા સ્થાને સરકી ગયો છે. દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ અને ભારતના રોહિત શર્મા (૧૧૦ જીત) સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે. વિરાટે પોન્ટિંગને પાછળ છોડી દીધો હોવા છતાં, તે હજુ પણ સચિન અને ધોનીનો રેકોર્ડ તોડવાથી થોડો દૂર છે.

વનડેમાં રનનો પીછો કરતી વખતે સૌથી વધુ જીત મેળવનારા ખેલાડીઓઃ ૧૨૭ સચિન તેંડુલકર, ૧૧૬ એમએસ ધોની,૧૧૨ વિરાટ કોહલી,૧૧૧ રિકી પોન્ટિંગ,૧૧૦ જેક્સ કાલિસ/રોહિત શર્મા
મેચ અંગે, ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, વેસ્ટ ઇન્ડીઝે નિર્ધારિત ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૯૫ રન બનાવ્યા. ૨૯૬ રનના જવાબમાં, ભારતે સારી શરૂઆત કરી, જાકે રોહિત શર્મા ૩૨ રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇનિંગ્સને સ્થિર કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી. ગિલે શાનદાર બેટિંગ કરી, ૯૬ બોલમાં ૧૧૦ રન બનાવ્યા, જેમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલના આઉટ થયા પછી, કોહલીએ પણ આક્રમક સદી ફટકારી, અને ભારતે ૪૨મી ઓવરમાં મેચ જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી.