ગીર સોમનાથમાં પતિ દ્વારા પત્નીની હત્યાની વધુ એક ગંભીર ઘટના હાલ સામે આવી રહી છે. ઉનાના ભેભા ગામે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘર કંકાસને પતિએ ગળાના ભાગે કુહાડી મારીને પત્નીનું મોત નિપજાવ્યું છે. ત્યારે ૩ દિવસમાં પતિ દ્વારા પત્નીની હત્યાની આ બીજા કિસ્સો સામે આવતા હાલ ગીર સોમનાથ પંથકમાં ભારે ચકચાર મચી છે.
ગીર સોમનાથ ઉનાના ભેભા ગામે સામાન્ય બબાલ દરમિયાન પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંક્યા હતા. જેથી પત્નીએ બૂમાબૂમ કરવા લાગતા તેની ચીસો સાંભળી આસપાસના સ્થાનિક લોકો તેમના ઘરે દોડી આવ્યા હતા. જ્યાં સ્થળ પર જાતા ચારેય બાજુ લોહી દેખાતું હતું અને લોહિલૂહાણ હાલતમાં પત્ની જમીન પર ઢળી પડી હતી. ગંભીર ઈજાઓને કારણે તેણે બાદમાં દમ તોડ્યો હતો.
હત્યા બાદ આરોપી પતિ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જાકે તે ફરાર થવા જતા પહેલાં સ્થાનિકોએ આરોપીને દોરડાથી બાંધીને પકડી રાખ્યો અને બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પતિએ જ કુહાડીના ઘા ઝિંકી પત્નીને પતાવી દીધી હોવાની ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ભેભા ગામે પહોંચ્યો હતો. ત્યારે સ્થાનિકોએ આરોપી પતિને પોલીસને સોંપ્યો હતો.
હાલ આ મામલે પોલીસે મૃતકના મૃતદેહને કબજે કરી પોસ્ટ માર્ટમ માટે તેને નજીકની સરકારી હોસ્પિટલે મોકલી આપ્યો અને આરોપી પતિને કબજે લઈ તેની પણ ઉંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ ઘર કંકાસને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જાકે આ મામલે ઉના પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, ગત ૩જી માર્ચે પણ ગીર સોમનાથ જિલ્લામાં આવો જ પતિ દ્વારા પત્નીની હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. ગીર સોમનાથના સિમર ગામે પતિએ પોતાની પત્ની પર અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા રાખી લોખંડના દસ્તો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે માત્ર ૩ દિવસના સમયમાં હાલ ફરી એકવાર પતિ દ્વારા પત્નીની હત્યા કરાઈ હોવાની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે.