અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓએ કુવૈતથી અમદાવાદ આવેલા એક દંપતીને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને પાસેથી કુલ ૩૦૮.૭૧૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ૪૬.૯૮ લાખ હોવાનું સામે આવ્યું છે.
કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. આ દરમિયાન એઆઇયુના અધિકારીઓએ વિકસાવેલી ગુપ્ત માહિતી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે એક પુરુષ અને એક મહિલા મુસાફરને રોક્યા હતા. બંને પતિ-પત્ની હોવાનું જાણવા મળ્યું હતું.મહિલા મુસાફરની તપાસ દરમિયાન તેના ચેક-ઇન બેગેજ, હેન્ડ પર્સ તેમજ કપડાંની નીચે શરીર પર છુપાવેલું સોનું મળી આવ્યું હતું. જ્યારે પુરુષ મુસાફરે પણ કપડાંની નીચે સોનાની ચેન છુપાવીને પહેરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
કસ્ટમ્સ અધિકારીઓએ બંને પાસેથી સોનાની બંગડીઓ, ચેન અને પાયલ સહિતના દાગીના જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન ૩૦૮.૭૧૦ ગ્રામ અને શુદ્ધતા ૯૯૯.૦ એટલે કે ૨૪ કેરેટ હોવાનું સામે આવ્યું છે. તેની કુલ બજાર કિંમત ૪૬,૯૮,૫૬૬ આંકવામાં આવી છે.
અમદાવાદ કસ્ટમ્સ વિભાગે ૩૦૮.૭૧૦ ગ્રામ સોનું, જેની કિંમત ૪૬.૯૮ લાખ છે, તેને જપ્ત કર્યું છે. સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું તથા તેની પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.