કુંકાવાવ-વડીયા તાલુકામાં રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયેલા જળસંચય અભિયાનના સકારાત્મક પરિણામો પ્રથમ વરસાદમાં જ જોવા મળ્યા છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ ચોમાસાના પ્રથમ વરસાદમાં અનેક તળાવો નવા નીરથી ભરાઈ જતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. આ અવસરે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરાપુર, જંગર, નાની કુંકાવાવ, સનાળી અને સનાળા ગામોની મુલાકાત લઈ નવા નીરના વધામણા કર્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી, વડીયા અને કુંકાવાવ તાલુકાના કુલ ૧૧૫ ગામોમાં તળાવો ઊંડા કરવાની મહત્વાકાંક્ષી કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ઉનાળા દરમિયાન પૂર્ણ કરાયેલા આ કાર્યના કારણે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે અને પ્રથમ વરસાદમાં જ તળાવો પાણીથી ભરાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. રાજ્ય સરકારના સહયોગથી વીજ ક્ષેત્રની સંસ્થાઓના અનુદાન તેમજ ગીરગંગા ટ્રસ્ટની તકનિકી મદદથી ગામે ગામ તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ શક્ય બન્યો છે. જેના કારણે ખેતી, પશુપાલન અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની શક્યતા ઉભી થઈ છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જળસંચયને પ્રાથમિકતા આપીને વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેના પરિણામે આજે કરોડો લીટર વરસાદી પાણીનો સંગ્રહ શક્ય બન્યો છે.
પાણીનો દરેક ટીપો કિંમતી છે અને તેનું સંરક્ષણ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. નવા નીરના વધામણા પ્રસંગે વિવિધ ગામોના આગેવાનોએ જળસંચય અભિયાન બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સનાળા ગામે ગીરગંગા પરિવારે રાજ્યમંત્રીનું સન્માન પણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































