રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા પંથકના ૧૫ ગામોની મુલાકાત લઈ ભારે વરસાદથી છલકાયેલા તળાવોના નીરના વધામણાં કર્યા હતા. તેમણે જણાવ્યું કે અમરેલી વિધાનસભા વિસ્તારના ૧૧૫ ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરીના પરિણામે પાણીનો સારો સંગ્રહ થયો છે, જેનાથી આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે. આ દરમિયાન વડિયામાં ૨,૦૦૦ તેમજ સમગ્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં ૫૧,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાઈ દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવા અનુરોધ કર્યો હતો.