ઉના પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. બસની પૂરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક ગામથી બીજા ગામ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ગામોમાં હજુ સુધી નિયમિત બસ સેવા ઉપલબ્ધ નથી. તાજેતરમાં માણેકપુરથી સીમર તરફ જતા માર્ગ પર વિદ્યાર્થીઓ ખુલ્લા ટેમ્પોમાં ઊભા રહી મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટેમ્પો ચાલક દ્વારા પણ વાહન ઝડપી ગતિએ હંકારવામાં આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આવી સ્થિતિમાં અકસ્માત સર્જાય તો વિદ્યાર્થીઓના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંત્ર, પોલીસ અને આરટીઓ વિભાગને યોગ્ય તપાસ કરીને ગેરકાયદેસર અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ એસ.ટી. બસ સેવા શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.








































