સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી વિવાદ થયો છે. પ્રવીણ સોરાણીએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને ટાર્ગેટ કર્યા છે.
પ્રવીણ સોરાણીએ પક્ષના નેતાઓ પર પ્રહાર કર્યા કે, તમે બોલાવેલી બેઠકમાં કોઈ આવવા તૈયાર નથી. તમારામાં શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી દો. આટલે થી નહી અટકતા તેમણે ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ પ્રહાર કર્યા હતા. પ્રવીણ સોરાણીએ કહ્યુ ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાને કોંગ્રેસની પેઢી સમજે છે.
રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક કકળાટ બહાર આવ્યો છે. ત્યારે પ્રવીણ સોરાણીના આક્ષેપ પર શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જવાબ આપ્યો છે. રાજદિપસિંહએ કહ્યુ કે, આ કાર્યાલય ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું નહીં કોંગ્રેસનું છે. “પ્રવીણ સોરાણીને પાર્ટી પ્રત્યે એટલી ચિંતા હોય તો કાર્યાલય માટે ફાળો આપવાની શરૂઆત કરે”. પાર્ટીમાં શિસ્તભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરનારને નહીં ચલાવી લેવામાં આવે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટમાં કોગ્રેસનાં આંતરિક કકળાટ જાહેરમાં દેખાતા રાજકારણમાં ચર્ચાઓ જાવા મળી રહી છે. રાજકિય જાણકારોમાં એવી ચર્ચા છે કે સક્રિય કામગીરીથી કોંગ્રેસ વધુ મજબુત બની રહી છે જેને લઇને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું બની શકે છે.