વડિયાના બરવાળા બાવીશી ગામે ‘આ દાર મારી વાડીમાં બનાવેલ છે, જેથી તમો મોટર કાઢી નાખો’ તેમ કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બન્યો હતો. બનાવ સંદર્ભે નરેશભાઈ ગોવિંદભાઈ ભુવા (ઉ.વ.૫૫)એ હીરેનભાઈ અરજણભાઈ ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીએ આજથી ત્રણ મહિના પહેલાં પોતાની વાડીમાં પાણીનો દાર કરાવી મોટર ઉતારાવી હતી. આ સમયે મોટર ઉતારવા આવેલા પ્રદીપભાઈ સગર વાડીએ હાજર હોવાથી આરોપીએ ત્યાં આવીને ‘આ દાર મારી વાડીમાં બનાવેલ છે, જેથી તમે મોટર કાઢી નાખો’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે એક ઘા જમણા પગે ગોઠણની નીચે મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત પાઇપના ત્રણ ઘા ડાબા પગની પીંડીના ભાગે મારી મૂઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી.પી. ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

































