અમરેલી ખાતે વોકેશનલ ટ્રેનર્સના સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યવસાયિક શિક્ષણ આપતા વોકેશનલ ટ્રેનર્સ લાંબા સમયથી વિવિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. આ અંગે વોકેશનલ ટ્રેનર્સ દ્વારા ફિક્સ પગાર રૂ. ૨૪,૦૦૦ ચૂકવવા, રવિવાર તથા જાહેર રજાઓનો પગાર ન કાપવા સહિતની વિવિધ માગણીઓ રજૂ કરવામાં આવી હતી. ઘનશ્યામભાઈ ગોસ્વામી સહિત સંઘના ભાઈઓ અને બહેનોએ આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. વોકેશનલ ટ્રેનર્સના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવી યોગ્ય ન્યાય આપવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો છે.