અમરેલી શહેરના સિટી વિસ્તારમાં વીજ લાઇનના નવીનીકરણ માટે રાખવામાં આવેલા કેબલ વાયરના ડ્રમમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. રહેણાંક મકાનની સામે પડેલી ખુલ્લી જગ્યામાં રાખેલા ૩૧ જેટલા ડ્રમ આગની લપેટમાં આવી ગયા હતા. ભવદીપભાઈ નાનજીભાઈ જાદવ (ઉ.વ.૨૬) એ જાહેર કર્યા મુજબ, અમરેલી સિટી વિસ્તારમાં વીજ લાઇનના કેબલ બદલવાની કામગીરી ચાલતી હોવાથી વીજ વાયરના કુલ ૩૩ ડ્રમ એક ઘરની સામેની પડતર જગ્યામાં ઉતારવામાં આવ્યા હતા. અચાનક કોઈ કારણોસર આ ડ્રમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં ડ્રમને પોતાની લપેટમાં લઈ લીધા હતા. જેમાં ૧૮ ડ્રમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. ૧૩ ડ્રમ અડધા બળી જવાથી નુકસાન પામ્યા હતા અને ૨ ડ્રમ સુરક્ષિત બચાવી લેવાયા હતા. આગને કારણે અંદાજે રૂ. ૨૮,૪૫,૨૮૨નું મોટું નુકસાન થયું હતું. આટલી મોટી માત્રામાં વીજ વાયરના ડ્રમમાં આગ કેવી રીતે લાગી તે અંગે હાલ રહસ્ય અકબંધ છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સાવરકુંડલામાં ડેલા બહાર પાર્ક કરેલી રીક્ષામાં આગ લાગી હતી. હિંમતસિંહ કનુસિંહ જાડેજા (ઉ.વ.૪૮) એ જાહેર કર્યા મુજબ, તેઓ તેના ઘરે સુતા હતા તે દરમ્યાન અતુલ ઓટો રીક્ષા GJ-૨૦-W-૧૪૯૦ ઘરના ડેલાની બહાર પાર્ક કરી હતી. જેમાં અચાનક કોઇપણ કારણોસર આગ લાગતા સળગી જતાં રૂ.૫૦,૦૦૦નું નુકસાન થયું હતું.







































