મોરારીબાપુની પ્રેરણાથી લોકસાહિત્ય ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત અમરેલી લોકસાહિત્ય સેતુ અને પુસ્તક પરબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઇફ્‌કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને અને માનવમંદિર સાવરકુંડલાના ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં મનિષાબેન પંડ્‌યાના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડો. પ્રતાપભાઈ પંડ્‌યાને તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી, સાથે જ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જોષીનો વિદાય સન્માન અને નવનિયુક્ત પ્રમુખ ઈતેશ મહેતાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ડો. ભરત કાનાબાર, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, તપોવન આશ્રમના મુકેશભાઈ સંઘાણી, જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મોટાભાઈ સંવટ, અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતા, અમરેલી વિશ્વ હિંદુ પરિષદના વિજયભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો, રાજકીય પદાધિકારીઓ અને રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમરેલીની વિવિધ સંસ્થાઓ દ્વારા નિવૃત્ત થતા ટ્રસ્ટીઓ જેમ કે પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી, ઉપ-પ્રમુખ ગોવિંદભાઈ ગોંડલીયા, મંત્રી ગોરધનભાઈ સુરાણી, ખજાનચી હસુ દાદા જોષી તેમજ સોનલબેન ત્રિવેદી અને મહેન્દ્રભાઈ શુક્લનું વિદાય સન્માન કરવામાં આવ્યું હતું.