અમરેલીના બાયપાસ રોડ નજીક એક ચોંકાવનારી લૂંટ અને બળજબરીથી પૈસા પડાવવાની ઘટના સામે આવી છે. બાબરાના વાંડળિયા ગામના ૨૬ વર્ષીય અજયભાઈ ગાંગડિયા પોતાના શેઠનું વાહન લઈને ફતેપુરથી બાયોકોલ ભરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે નાસ્તો કરવા ઊભા રહેતા તેમના મોબાઈલમાં ‘Grindr’ ગે ડેટિંગ એપ પર ‘JAN’ નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો. ત્યારપછી ટાટા મોટર્સ સર્વિસ સ્ટેશન પાસે પરિત ભીમાણી અને હરકિશને તેમનું વાહન રોકી તેમને રેલવેના નવા પુલ નીચે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી હાજર અરમાન, તૌફીક, રોનક અને પરવેજ નામના શખ્સોએ યુવકને બંધક બનાવી બેરહેમીથી માર માર્યો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી પાકીટમાંથી રોકડા રૂપિયા ઝૂંટવી લીધા હતા અને શેઠના ખાતામાંથી ગૂગલ પે દ્વારા અન્ય ૫,૦૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. અંતે ગરદન પર છરી મૂકી વધુ ૪૫,૦૦૦ રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનારે ૬ શખ્સો સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી. ડી. ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.









































