ચીન સાથેના ૧૯૬૨ના યુદ્ધમાં રેજાંગલા સરહદે ૧૮ નવેમ્બરના રોજ ભારતીય આર્મીની ૧૩ કુમાવ બટાલિયન અને ચીન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધમાં ચીનના આશરે ૧૫૦૦ જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતારેલ. જેમાં આ બટાલિયનના ૧૨૦ આહિર (યાદવ) જવાનોમાંથી ૧૧૪ જવાનો શહીદ થયા હતા અને દેશની રક્ષા કરી હતી. આ વીરતા, શૌર્યતા, દેશપ્રેમ અને પરાક્રમની ગાથા ગામડે ગામડે પહોંચાડી આ આહિર સમાજના ઇતિહાસને ઉજાગર કરવા અમરેલીમાં ૪ સપ્ટેમ્બર ગુરુવારે આહિર સમાજ દ્વારા “રેજાંગલા રજ કળશ યાત્રા”ના સ્વાગત સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે. દેશના આહિર(યાદવ) સમાજ દ્વારા ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગને પ્રબળ કરવા આ રેજાંગલાની ભૂમિની માટી કે જેમાં દેશની સુરક્ષા કાજે આ પવિત્ર રજનો કળશ સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ કળશ યાત્રા અમરેલીમાં ૪ સપ્ટેમ્બરે આવી રહી છે. તેનું સ્વાગત ચાવંડ થી અમરેલી સુધીના રોડ ઉપર આવતા આહિર સમાજના ગામો દ્વારા પરંપરાગત પહેરવેશમાં કરાશે. સમગ્ર જિલ્લાના આહિર સમાજના લોકો દ્વારા ઘોડા, કાર, બાઈક સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે લાઠી રોડથી કોલેજ સર્કલ થી બસ્ટેન્ડ ચોક, રાજકમલ ચોક થઇને ફોરવર્ડ સર્કલ(સિનિયર સિટીઝન પાર્ક) પર સભામાં પરિવર્તિત થશે. જેમાં આહિર સમાજના આર્મીમાં ફરજ બજાવતા યુવાનોના પરિવારનું સન્માન થશે.









































