ગુજરાત સરકારના પ્રજાભિમુખ અભિગમ અંતર્ગત નાગરિકોના વહીવટી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ અને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે અમરેલી તાલુકાના નાના આંકડીયા મુકામે સેવા સેતુ (ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ મુલાકાત લીધી હતી. તેમણે કાર્યક્રમનું નિરીક્ષણ કરી અરજદારો અને ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યમંત્રીએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને ICDSના સ્ટોલ પર પોષણયુક્ત વાનગીઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણના સાધનો તેમજ યોજનાઓની માહિતી મેળવી હતી. આંગણવાડી કાર્યકરો, સુપરવાઈઝરો અને અધિકારીઓ સાથે બાળકો તથા સગર્ભા માતાઓ સુધી પોષણ અભિયાનના લાભો પહોંચાડવા અંગે ચર્ચા કરી હતી. કેમ્પમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને આયુષ્માન કાર્ડ સહિતની સેવાઓનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































