પીરાણા ખાતે આવેલા ૧૮૦ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પમ્પીંગ સ્ટેશનમાં લાંબા સમયથી કેમિકલયુક્ત પાણી આવતું હોવાની વિગતો સામે આવી છે. દાણીલીમડા, બહેરામપુરા અને નારોલ સહિત પૂર્વ અમદાવાદના વિસ્તારોમાંથી ગટર લાઇનમાં આવતું પાણી મશીનરી માટે નુકસાનકારક બન્યું હોવાનું જણાવાય છે.
આ ઉપરાંત શાહપુર-દૂધેશ્વર વિસ્તાર તથા ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક ઔદ્યોગિક વિસ્તારોમાંથી પણ ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી ગટર લાઇનમાં પહોંચતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પાણીની અસરથી મશીનરીમાં કાટ અને અન્ય નુકસાન થયું હોવાનું સૂત્રોનું કહેવું છે.
પમ્પીંગગ સ્ટેશનની મશીનરીની સામાન્ય આયુષ્ય આશરે ૨૫ વર્ષ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ કેમિકલયુક્ત પાણીના સતત સંપર્કને કારણે આ મશીનરી માત્ર ૧૬ વર્ષમાં જ બદલવાની સ્થીતિમાં પહોંચી ગઈ છે.
મશીનરીને થયેલા નુકસાનને કારણે હવે નવી મશીનરી લગાવવાની કામગીરી કરવી પડશે. તેના માટે અંદાજે ૧૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. એટલે કે ઔદ્યોગિક વિસ્તારોમાંથી ગટર વ્યવસ્થામાં આવતા કેમિકલયુક્ત પાણીની અસરનો સીધો આર્થિક બોજા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પડી શકે છે.
૧૮૦ એમએલડી એસટીપીની મશીનરી બદલ્યા બાદ પીરાણા ખાતેના ૧૫૫ એમએલડી એલટીપીના પમ્પીંગગ સ્ટેશનની મશીનરી બદલવાની જરૂરિયાત પણ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વાસણા એસટીપીના પમ્પીંગગ સ્ટેશનની મશીનરી અગાઉ બદલવી પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત વિંઝોલ ખાતે કેમિકલયુક્ત પાણીની અસરથી નુકસાન પામેલી પમ્પીંગગ મશીનરી બદલવાની કામગીરી પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવાય છે.
સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટની કાર્યવાહી બાદ જીપીસીબી અને કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં ગટર લાઇનમાં કેમિકલયુક્ત પાણી પહોંચતું હોવાની ફરિયાદો સામે આવતી રહે છે.
કોમીકલ વેસ્ટ કંટ્રોલ માટે ઔદ્યોગિક એકમો પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કર્યા બાદ જ તેનો નિકાલ કરે તે જરૂરી છે. જો કેમિકલયુક્ત પાણીના કારણે કરોડો રૂપિયાની મશીનરીનું આયુષ્ય ઘટે છે, તો ગટર લાઇનમાં આવતા પાણીના મોનિટરિંગ અને ઔદ્યોગિક એકમોની દેખરેખ વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે.







































