અમદાવાદમાં કફ સિરપના ગેરકાયદે જથ્થા સામે પોલીસની કાર્યવાહી સામે આવી છે. વાસણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કોડેઇનયુક્ત કફ સિરપની ૩૮૭ બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કફ સિરપ, મોબાઇલ અને ઓટો રિક્ષા સહિત કુલ રૂ.૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાસણા પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ નશાકારક કફ સિરપનો જથ્થો લઈને ફરતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોડેઇનયુક્ત કફ સિરપની ૩૮૭ બોટલો મળી આવી હતી. પોલીસે કફ સિરપનો જથ્થો કબજે કરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. કબજે કરાયેલા કફ સિરપની કિંમત આશરે રૂપિયા ૧.૦૧ લાખ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે કફ સિરપ ઉપરાંત આરોપી પાસેથી મોબાઇલ ફોન અને ઓટો રિક્ષા પણ કબજે કરી છે. કફ સિરપ સહિત તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.૧.૫૧ લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ જથ્થો ક્યાથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ કરી રહી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાસણા પોલીસે સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કોડેઇનયુક્ત કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાની શંકાને પગલે પોલીસે જથ્થાની ખરીદી અને સપ્લાય ચેઇન અંગે પણ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરીને કફ સિરપના ગેરકાયદે વેપાર સાથે જાડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.