શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક પરિણીતા પર સાસરિયાઓ દ્વારા ગુજારવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસની કંપારી છૂટી જાય તેવી ઘટના હાલ પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિત પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ અને દિયર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. લગ્નના માત્ર ૧૫ દિવસ બાદ જ શરૂ થયેલા આ અત્યાચારમાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર, લગ્ન સમયે સાસરિયાઓએ પતિના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોવાની અને તેને એક સંતાન હોવાની હકીકત પરિણીતાથી છુપાવી રાખી હતી. લગ્ન બાદ તરત જ સાસુ અને દિયરે દહેજ બાબતે મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. પરિણીતા ગર્ભવતી હોવા છતાં તેને પૂરતો આરામ આપવાને બદલે ઘરનું ભારે કામ કરાવાતું હતું. દીકરીના જન્મ બાદ પણ પતિનો ત્રાસ ઓછો થયો નહોતો. પતિ અવારનવાર રાત્રે મોડો આવતો, મહેફિલોમાં જતો અને પત્નીની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. જા પરિણીતા બીમાર હોય, તો તેને ઉત્તેજના વધારવાની દવાઓ આપીને પણ સંબંધ બાંધવા મજબૂર કરાતી અને ઈનકાર કરવા પર ઢોર માર મારવામાં આવતો હતો.
કેટલાક સમય બાદ પરિણીતા ફરીવાર ગર્ભવતી થતાં પતિએ એબોર્શન કરાવી લેવા માટે દબાણ કર્યું હતું અને ધમકી આપી હતી કે, જા એબોર્શન નહીં કરાવે તો તે તલાક આપી દેશે. ત્રાસથી કંટાળીને પરિણીતા પિયર જતી રહી હતી, પરંતુ તેનો પતિ ત્યાં પણ પહોંચી ગયો હતો અને ગર્ભવતી પત્નીને પેટના ભાગે લાતો મારી બળજબરીથી સાસરીમાં પરત લાવ્યો હતો. સાસુ અને દિયર પણ સતત ટોણા મારતા હતા કે, “તું અમારા છોકરાને ગમતી નથી, આ તો સમાજની રૂએ રાખવી પડે છે, તે અમારું ઘર બગાડ્યું છે, તું તલાક આપીને છૂટી થઈ જા.”
પરિણીતાએ તેના પતિને મધ્યરાત્રિએ અન્ય દેશની યુવતીઓ સાથે વીડિયો કોલ પર વાતો કરતો ઝડપી પાડ્યો હતો. પતિ તેને આ યુવતીઓ સાથેના બીભત્સ વીડિયો બતાવીને તે જ પ્રકારે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. પરિણીતાએ ત્રીજી દીકરીને જન્મ આપ્યા બાદ પણ સાસરિયાંનું વલણ બદલાયું નહોતું. જ્યારે પરિણીતાએ પતિના અફેરની વાત સાસુને કરી, ત્યારે સાસુ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરીને પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. પાંચ મહિના પિયરમાં રહ્યા બાદ જ્યારે તે પાછી આવી, ત્યારે પણ પતિએ પોર્ન વીડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટેનું દબાણ ચાલુ રાખ્યું હતું.
હદ તો ત્યારે થઈ જ્યારે પતિએ પરિણીતાને ન્યાય મેળવતા રોકવા માટે ગંભીર ધમકીઓ આપી. તેણે કહ્યું કે, “જા અમારા વિરુદ્ધ કોઈ અરજી કે ફરિયાદ કરી તો તને જાનથી મારી નાખીશું. તું મારું કંઈ બગાડી શકીશ નહીં, પોલીસ મારા હાથમાં છે અને ઊંચી ઓળખાણ હોવાથી બધા પોલીસવાળા મારા ઓળખીતા છે.” જા કે, આ તમામ ધમકીઓ છતાં હિંમત હાર્યા વગર પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે પીડિતાની આપવીતી સાંભળીને સાસરિયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.