બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ માં અંબાના ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લાખો ભક્તો માં અંબાના દર્શન અને શીશ ઝુકાવવા આવે છે. આ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરી છે, જેનો હજારો ભક્તો લાભ લઈ રહ્યા છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના દાતા હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે અંબિકા ભોજનાલય ખાતે કાર્યરત અંબિકા અન્ન ક્ષેત્રમાં બનતી રસોઈ નિત્ય ટિફિનમાં ભરીને પ્રથમ માં અંબાને થાળ સ્વરૂપે ધરાવવામાં આવે છે. સવારની આરતીમાં માં અંબાને ધરવામાં આવતો બાળ ભોગનો પ્રસાદ સવાર અને સાંજની રસોઈમાં ભેળવીને ભક્તોને પીરસાય છે. ભોજનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, અને ભક્તોને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવે છે.અંબિકા અન્ન ક્ષેત્રમાં સાત્વિક ભોજન સાથે વાર-તહેવારે મિષ્ઠાન પીરસાય છે, જેમાં અંબાજીની ઓળખ એવો શુદ્ધ ઘીમાં બનાવેલ મોહનથાળ ખાસ પીરસવામાં આવે છે. આ ભોજનાલય દાતાઓના સહયોગથી નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. દરરોજ આશરે ૭,૦૦૦થી વધુ ભક્તો અહીં ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે, જેનાથી તેઓ ધન્યતા અનુભવે છે.અંબિકા ભોજનાલયનું હાલનું બિલ્ડીંગ જૂનું થઈ ગયું હોવાથી અને ગબ્બર કોરિડોર પ્રોજેક્ટ હેઠળ તે ડીમોલિશ થવાનું હોવાથી, મંદિર ટ્રસ્ટે દાતા રોડ પર આવેલા દિવાળીબા ગુરુ ભવન ખાતે ડોમ બનાવી નવું ભોજનાલય શરૂ કર્યું છે. જય જલિયાણ ફાઉન્ડેશનના હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી આ નિઃશુલ્ક ભોજન સેવા ચાલે છે, જે દાતાઓના સહયોગથી શક્ય બની છે.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરી હતી. આ એક વર્ષમાં ૨૨.૭૮ લાખ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે. આ યોજના ભક્તો માટે મંદિર ટ્રસ્ટની માનવીય સેવા અને સમર્પણનું પ્રતીક છે, જે ભક્તોને આધ્યામિક અનુભવની સાથે શારીરિક સુખ-સુવિધા પણ પૂરી પાડે છે.









































