શહેરાના છોગાળા ગામમાં ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ઘરની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં દાદી અને પૌત્રનું કરૂણ મોત નીપજ્યું છે. શહેરા તાલુકાના છોગાળા ગામમાં મોડી રાત્રે આ દુર્ધટના ઘટી છે. છોગાળાના ક્લારીયા ફળિયામાં મકાનની દીવાલ પડી ગઈ હતી. આ દીવાલ ધરાશાઈ થતાની સાથે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. તો દાદી પુત્રીના બન્નેના મૃતદેહને બીજી બાજુ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં એક વૃક્ષ ધરાશાયી થતા એક યુવકનું મોત નીપજ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરા તાલુકાના છોગાળા ગામમાં મંગળવારે મિનીવાવાઝોડાની સાથે વરસાદ વરસ્યો હતો. જે દરમિયાન મંગળવારે છોગાળા ગામના કલારિયા ફળીયામાં એક કાચા મકાનના પતરા હવામાં ઉડી ગયા હતા અને મકાનની દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના સમયે ઘરમાં ૪૨ વર્ષના દાદી અને તેમનો ૭ વર્ષનો પૌત્ર દીવાલ નીચે દબાઈ ગયા હતા. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે મહિલાને પાસે આવેલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જાકે, મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એક જ ઘરના બે લોકોના મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. હાલ આ બંનેના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.









































