રાજુલા તાલુકાના રામપરા-૨ અને ઉચૈયા ગામના ખેડૂતો તથા ગ્રામજનોએ વિવિધ માંગણીઓ સાથે રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્ષ ૧૯૯૯માં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડને પાવર પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન આપવામાં આવી હતી. પરંતુ ૨૭ વર્ષનો સમય વીતી જવા છતાં હજુ સુધી પાવર પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. જેથી ખેડૂતો દ્વારા પોતાની જમીન પરત આપવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ જમીન પર કોઈ પ્રોજેક્ટનું કામ ન હોવાથી મોટા પ્રમાણમાં ગાંડા બાવળનું જંગલ ઉગી નીકળ્યું છે, જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. કંપની પાવર પ્રોજેક્ટ શરૂ કરે તો ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ પ્રોજેક્ટ શરૂ થાય તો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને નિયમ મુજબ રોજગારીની તકો આપવી જોઈએ તેવી માંગ કરી હતી.