ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના માહિતી અધિકારીઓ તથા અપીલ અધિકારીઓ માટે તા. ૮ ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘RTI સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૩ઃ૨૫ થી સાંજે ૪ વાગ્યા સુધી માહિતી કમિશનરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણેય જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા. જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીઓ ખાતેથી અધિકારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં માહિતી અધિકાર કાયદાની મહત્વની જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કાયદા સંબંધિત વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. માહિતી આયોગની કામગીરી દરમિયાન જોવા મળતી ક્ષતિઓનું પુનરાવર્તન ન થાય અને કામગીરી વધુ યોગ્ય બને તે માટે જરૂરી સૂચનાઓ આપી ભાવિ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.