ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નિર્માણાધીન સાઇટની એક વિશાળ દિવાલ અચાનક ધરાશાયી થતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દિવાલ નજીકના એક મકાન પર પડતા પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ કરૂણ ઘટનામાં પિતા અશ્વિન વસાવા અને તેમના ૨૧ વર્ષીય પુત્ર આશિષ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું અને કાટમાળ નીચે દબાયેલી બે મહિલાઓને જીવતા બહાર કાઢી સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, આલી માતરિયા તળાવ પાસે આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાઈટ પર કામગીરી ચાલી રહી હતી. દરમિયાન, સાઈટની દિવાલ પાસે માટીના મોટા ઢગલા કરવામાં આવ્યા હતા. આ દિવાલ અચાનક ધસી પડતા બાજુમાં આવેલા ગરીબ પરિવારના ઝૂંપડા પર આવી પડી હતી. દુર્ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં જ હતા, જેથી તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
આ દુર્ઘટનામાં પિતા અશ્વિન વસાવા અને તેમના ૨૧ વર્ષીય પુત્ર આશિષ વસાવાનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતા જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ટીમે કાટમાળ નીચે દબાયેલી બે મહિલાઓને સફળતાપૂર્વક જીવિત બહાર કાઢી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
સ્થાનિક રહીશોએ બિલ્ડર વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો છે. લોકોના જણાવ્યા અનુસાર, ઝૂંપડા નજીક ગેરકાયદેસર રીતે માટીના મોટા ઢગલા કરી રાખવામાં આવ્યા હતા. દિવાલના ટેકે જ આ માટીના ઢગલા કરવામાં આવ્યા હોવાથી દિવાલનું વજન વધી ગયું હતું અને તે ધરાશાયી થઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આજે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઘટના બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે દિવાલ કયા કારણોસર પડી અને નિર્માણ કાર્યમાં કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.