ધોરાજીના જુનાગઢ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બ્રિજની કામગીરી માટે નક્કી કરાયેલી સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી. સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં હોવાથી ખાડા-ખબડામાંથી વાહન હંકારવું મુશ્કેલ બન્યું છે. દિવસ દરમિયાન સતત ધૂળ ઉડતી હોવાથી આસપાસના રહેવાસીઓ પણ પરેશાન છે. ભાજપના અગ્રણી જયસુખભાઈ ઠેસિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડ સુધારવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ધારાસભ્ય, સાંસદ સહિત ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરાઈ છે. તેમ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય કામગીરી થતી નથી. કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરાએ પણ સર્વિસ રોડની હાલત સુધારવાની માંગ કરી હતી. રોડની બિસ્માર સ્થિતિને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.