આદ્યશક્તિ મા જગદંબાની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવલા નોરતામાં ગામડાઓની તેમજ શહેરોની શેરી ગરબીઓ વિસરાઈ ગઈ છે. જેના અનેક માઠા પરિણામો પણ આપણે ભોગવી રહ્યા છીએ. જગત જનની મા જગદંબા ફરીથી આ દેશમાં સંસ્કાર અને સંસ્કૃતિ ધબકતા કરે એવી પ્રાર્થના.કાઠિયાવાડની ધરતી માત્ર ખેતી, પશુપાલન, દરિયો, ડુંગર અને ગીરના સાવજ માટે જ જાણીતી નથી. કાઠિયાવાડની સાચી ઓળખ તો તેની માટીની સુગંધમાં, ગામડાની સાદગીમાં અને લોકોની બોલીમાં વસે છે. અહીંનો એક-એક શબ્દ પોતાની અંદર એક આખી જીવનશૈલી અને સંસ્કૃતિનો ઇતિહાસ લઈને ફરે છે. એવો જ એક મીઠો અને અર્થસભર કાઠિયાવાડી શબ્દ છે. “ઝાંપો”. આ શબ્દ નવી પેઢીમાં વિસરાઈ રહ્યો છે ત્યારે વડીલો પાસે બેસીને ક્યારેક સમય મળે તો ભૂતકાળ વાગોળવા નો પ્રયત્ન અવશ્ય કરજો ગામના પ્રવેશદ્વારને ગામનો ઝાંપો કહેવાય છે. ગામમાં પ્રવેશતા જ જે જગ્યા આપણને કહે છે કે હવે તમે ગામની સીમામાં પ્રવેશી રહ્યા છો, એ ઝાંપો માત્ર રસ્તાનું પ્રવેશદ્વાર નથી, એ તો ગામની ઓળખ અને ગામની સામૂહિક સંસ્કૃતિનું પ્રતીક છે. દાખલા તરીકે સાવરકુંડલામાં દેવળાનો ઝાંપો.
ગામડામાં કોઈ વાડો, વાડી કે ખેતરનો પ્લોટ હોય અને ત્યાં પાકો દરવાજો ન હોય, ત્યારે બાવળના કાંટા, ડાળીઓ કે લાકડાંથી બનાવવામાં આવતો સાદો દરવાજો પણ “ઝાંપો” કહેવાય છે. શહેરની નજરે કદાચ એ સામાન્ય કાંટાળું બારણું લાગે, પરંતુ ગામડાના માણસ માટે એ પોતાની જમીન, પોતાની મહેનત અને પોતાના ઘર-વાડાની હદ સાચવતું રક્ષણ છે.
ખાસ કરીને માલધારીઓના જીવનમાં તો ઝાંપાનું પોતાનું આગવું મહત્વ છે. માલધારી જ્યાં પોતાના ઢોર સાથે ઝોક બાંધે, ત્યાં ઝોકના પ્રવેશદ્વારને પણ ઝાંપો કહેવામાં આવે છે. એ ઝાંપો કોઈ લોખંડનો મજબૂત દરવાજો નથી હોતો. ઘણી વખત બાવળની કાંટાળી ડાળીઓથી બનાવેલો સાદો ઝાંપો જ હોય છે. પરંતુ એ સાદગીમાં પણ સુરક્ષા છે, વ્યવસ્થા છે અને પોતાના પશુધન પ્રત્યેની જવાબદારી છે.
આ ઝાંપાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર રસ્તો બંધ કરતો નથી, પરંતુ “આ મારી જગ્યા છે” એવી મર્યાદાની રેખા પણ દોરી આપે છે. ગામડાના જીવનમાં મર્યાદાનું ખૂબ મોટું મહત્વ છે. જમીનની મર્યાદા હોય, વાડાની મર્યાદા હોય કે સંબંધોની મર્યાદા હોય, કાઠિયાવાડી માણસ મર્યાદાને માન આપે છે.એટલે જ કદાચ “ઝાંપો” શબ્દને માત્ર દરવાજા તરીકે જોવો એ તેની સાથે અન્યાય છે.ઝાંપો આબરુનો પણ રખેવાળ છે.
ગામડામાં કહેવાય છે કે ઘર નાનું હોય કે મોટું, વાડો કાચો હોય કે પાકો, પણ પોતાની આબરુ અને મર્યાદા સાચવવાની ભાવના મોટી હોવી જોઈએ. બાવળના કાંટાથી બનેલો ઝાંપો ભલે દેખાવમાં નબળો લાગે, પરંતુ તે પોતાના ઘરની હદ, પોતાના પશુધનની સુરક્ષા અને પોતાની ખાનગી જગ્યા સાચવવાનો સંદેશ આપે છે.
સમય બદલાયો છે. બાવળના ઝાંપાની જગ્યાએ આજે લોખંડના ગેટ આવ્યા છે. કાચા રસ્તાની જગ્યાએ પાકા રસ્તા આવ્યા છે. ગામના પ્રવેશદ્વાર પણ ભવ્ય બન્યા છે. છતાં “ઝાંપો” શબ્દ હજુ જીવંત છે, કારણ કે શબ્દ માત્ર ભાષામાં નથી જીવતો; શબ્દ લોકોના જીવનમાં જીવતો હોય છે.
કાઠિયાવાડી ભાષાના આવા શબ્દો આપણા લોકજીવનની જીવતી મૂડી છે. “ઝાંપો” આપણને શીખવે છે કે રક્ષણ માટે હંમેશાં મોંઘી વસ્તુની જરૂર નથી હોતી. ક્યારેક બાવળના કાંટાથી બનાવેલો સાદો દરવાજો પણ માણસની જમીન, પશુધન, ઘર અને સૌથી મહત્વની વાત તેની આબરુ સાચવી શકે છે.
આથી ઝાંપો માત્ર એક દરવાજો નથી.ઝાંપો એટલે ગામની ઓળખ.ઝાંપો એટલે મર્યાદાની રેખા.ઝાંપો એટલે માલધારીનું ઘર.ઝાંપો એટલે ખેડૂતની વાડી.
ઝાંપો એટલે પોતાની જમીનની હદ. અને સૌથી વધીને ઝાંપો એટલે કાઠિયાવાડી માણસની આબરુનો રખેવાળ. એટલે તો કવિ દુલાભાયા કાગની રચનામાં માનવીની પાસે કોઈ માનવી આવે તો એને ઝાંપા સુધી વળાવવા જજે એ રચના કેમ ભૂલી શકાય. આધુનિક સમયની યાત્રામાં પરંપરાઓ અને શબ્દો એ ભુલાઈ રહ્યા છે બધાને અંગ્રેજીની ઘેલશા લાગી છે પરંતુ આજે પણ ચીન પોતાની માતૃભાષામાં જ વિશ્વના દેશો સાથે વ્યવહાર અને વ્યવસાય કરે છે એ ભૂલવું ના જોઈએ ઝાંપો ભૂલાયો ગામનું પાદર ભુલાયું અને ગામડાઓનો ઇતિહાસ ભુલાઈ એ પહેલા જાગવાનો સમય ખરો.
:: તિખારો::
મનમાંથી ઉતરી ગયેલા અને હૃદયમાંથી નીકળી ગયેલા લોકો નજર સમક્ષ આવી અને ગમે એટલા સત્યવાદી બનવાનો પ્રયત્ન કરે તોપણ તેઓને સ્વીકારી શકાય નહીં કારણકે સમયે સમયે આપણે તેઓનું ઓરીજનલ રૂપ જોયું હોય છે













































