દેશમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવાના ભાગરૂપે ગુજરાત એટીએસની ટીમે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતાં રાજસ્થાનના જેસલમેર-બનાસકાંઠા હાઈવે પરથી ૨૫ કરોડની કિંમતનું ૫ કિલો મેથામફેટામાઈન ડ્રગ્સ જપ્ત કર્યું છે. પાકિસ્તાનથી મોકલાયેલા આ ડ્રગ્સ સાતે શંકરરામ અને સલમાન નામના બે પેડલરની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી પાકિસ્તાનના ડ્રગ માફિયા મસતના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હવે આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તેની તપાસ ચાલી રહી છે. તપાસમાં ઘણા મોટા માથાની સંડોવણી પણ સામે આવી રહી છે.
ગુજરાત એટીએસના એસપી કે. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, એટીએસના ઈન્સ્પેક્ટર જતીન પટેલને બાતમીના મળી હતી કે, જેસલમેર-બનાસકાંઠા હાઈવે પરથી મોટા પ્રમાણમાં સ્ડ્ઢની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીને આધારે પોલીસે જેસલમેર-બનાસકાંઠા નેશનલ હાઈવે-૬૮ પર સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
પોલીસે શંકાને આધારે એક ઈકો કાર રોકી તેની તપાસ કરી ત્યારે ગાડીમાંથી પીળા રંગની થેલીમાંથી મેથામફેટામાઈન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એટીએસએ તાત્કાલિક બંને આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, આરોપી શંકરરામ પાકિસ્તાનના થરપારકર વિસ્તારમાં રહેતા “મસાત” નામના શખ્સ સાથે સંપર્કમાં હતો. આ એજન્ટ દ્વારા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ડ્રગ્સનો જથ્થો ડ્રોપ કરવામાં આવ્યો હતો અને તેનું ચોક્કસ લોકેશન શંકરરામને મોકલવામાં આવ્યું હતું. આ માહિતીને આધારે બંને આરોપી ત્યાં પહોંચીને ડ્રગ્સનો જથ્થો મેળવી ડિલિવરી માટે નીકળ્યા હતા, પરંતુ એટીએસએ સમયસર કાર્યવાહી કરતાં ડિલિવરી થાય તે પહેલાં જ બંનેને ઝડપી લીધા હતા. હાલમાં એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો કોને અને ક્્યાં પહોંચાડવાનો હતો તેમજ આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે.
આ ઘટનાએ ફરી એકવાર સરહદી વિસ્તારોમાંથી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કને ઉજાગર કર્યું છે. સુરક્ષા એજન્સીઓ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ડ્રગ કન્સાઈન્મેન્ટ શિપમાં કે અન્ય રીતે ડ્રગ વિદેશ મોકલવા માટે ભારતીય જળસીમા કે ભૂસીમાનો ઉપયોગ કરી રહ્યું છે.
જે બાબતે ગુજરાત પોલીસે સઘન પેટ્રોલિંગ કરતા આ દૂષણ પર થોડી બ્રેક લાગી છે. હવે સલમાન અને શંકરરામ જેવા યુવાનો રૂપિયાની લાલચમાં પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરાવી જે ડ્રગ મોકલવામાં આવ્યું હોય તે જે તે પેડલર કે સપ્લાયર સુધી પહોંચાડતા હોય છે. આવા પેડલરોની પણ પોલીસને તલાશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગુજરાત પોલીસે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ડ્રગની ફેક્ટરીઓ પકડી હતી.
પકડાયેલા આરોપી
૧) શંકરરામ રમેશરામ (સાજનકા પાર રામસર, બાડમેર રાજસ્થાન), ૨) સલમાન લાલાખાન (સાજનકા પાર રામસર, બાડમેર રાજસ્થાન)