જામનગરના ચેલા-ચાંગા વચ્ચેના હાઈવે પર રવિવારે રાત્રે સર્જાયેલા ભયાનક ત્રિપલ અકસ્માતે અરેરાટી ફેલાવી છે. લાલપુર હાઈવે પર કારની બેફામ ગતિ વચ્ચે બાઈક, ઓટોરિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર ઘટનામાં બે બાઈકસવાર સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત આશરે ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ગમખ્વાર અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શ્રાવણી સોમવાર નિમિત્તે જામનગરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોડેશ્વર મહાદેવના દર્શન માટે નીકળ્યા હતા. રવિવારે રાત્રે પણ પદયાત્રીઓ અને અન્ય દર્શનાર્થીઓ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ચેલા-ચાંગાના પાટિયા પાસે બેફામ ઝડપે દોડતી બાઈક, ઓટોરિક્ષા અને કાર વચ્ચે જારદાર અકસ્માત થયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે આસપાસથી પસાર થતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ પણ ઘટનાનું દ્રશ્ય જાઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
ત્રિપલ અકસ્માતમાં બે બાઈકસવાર સહિત ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં અંદાજે ૧૦ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ અને પાંચથી છ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત પૈકી એક બાળકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળ અને જી.જી. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.









































