અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે નદી-નાળા અને ચેકડેમ સુકાઈ ગયા છે. સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પાણી આપવા માટેની પાઈપલાઈન પૂર્ણતાને આરે છે. ત્યારે ગયા વર્ષે ખંભાળા, સુખપુર, નીલવડા, ચમારડી, બળેલ પીપરીયા, તોરી, રામપુર સહિતના ગામોમાં નર્મદાના નીર પહોચ્યા હતા. હાલ ખેતી અને પીવાના પાણીની કારમી તંગી પડી રહી છે. હાલના સમયમાં આગોતરા વાવેતર માટે પાણીની ખાસ જરૂરીયાત હોવાથી અમરેલી જિલ્લામાં સૌની યોજનામાંથી પાણી છોડી ખેડૂતો અને ગ્રામજનોની પાણીની સમસ્યા દૂર થાય તે માટે પૂર્વ મંત્રી બાવકુંભાઈ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.