અમરેલી જિલ્લામાં રેતી ચોરીનો મુદ્દો હવે ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે. જિલ્લામાં અનેક ગામોના ગ્રામજનો રેતીના ગેરકાયદેસર ખનન સામે મેદાનમાં ઉતરી રહ્યા છે અને તંત્રને આવેદનપત્રો આપી રેતીચોરી તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે. નદીના પટમાંથી બેફામ રીતે રેતી ઉઠાવવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ પોલીસ તંત્રની કામગીરી અંગે કેટલાક લોકો દ્વારા હપ્તારાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક તરફ રેતીચોરી પર અંકુશ લાવવાની માંગ ઉઠી રહી છે તો બીજી તરફ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ગેરકાયદેસર રેતીચોરી સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો કાયદેસર રેતી ક્યાંથી મળશે? અમરેલી જિલ્લામાં નાની-મોટી મળીને ૨૦થી વધુ નદીઓ આવેલી છે. તેમ છતાં અનેક નદીઓમાં સરકાર દ્વારા રેતી ખનન માટે લીઝ આપવામાં આવતી નથી. જેના કારણે કાયદેસર રેતીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ થતો નથી અને બાંધકામ ક્ષેત્રે રેતીની અછત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. અમરેલી જિલ્લામાં મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રસ્તાઓ, સરકારી ઈમારતો તેમજ અન્ય વિકાસલક્ષી કામો સતત ચાલી રહ્યા છે. બાંધકામ ક્ષેત્ર માટે રેતી અત્યંત જરૂરી સામગ્રી છે. જો રેતીની આવક પર અંકુશ આવે અને કાયદેસર સ્ત્રોત ઊભો કરવામાં નહીં આવે તો તેની સીધી અસર બાંધકામના કામો પર પડી શકે છે. રેતીના ભાવમાં વધારો થાય તો મકાન બનાવવાનો ખર્ચ પણ વધવાની સંભાવના છે. અંતે તેનો બોજ સામાન્ય નાગરિકના ખિસ્સા પર જ આવવાનો છે. અહીં સવાલ એ પણ છે કે વર્ષોથી અમરેલી જિલ્લાની નદીઓમાં નિયમો અને પર્યાવરણના ધોરણોનું પાલન કરીને રેતી ખનન માટે લીઝ આપવાની માંગ થતી આવી છે, તો આ મુદ્દે હજુ સુધી નક્કર નીતિ કેમ અમલમાં આવી નથી? જો નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવાથી નુકસાન થાય છે તો નિયત મર્યાદામાં, વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સરકારી દેખરેખ હેઠળ કાયદેસર રેતી ખનનની વ્યવસ્થા કેમ ઊભી કરવામાં આવતી નથી? રેતીચોરીના મુદ્દે હવે ગ્રામજનો ખુલીને વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓની ભૂમિકા પણ ચર્ચાનો વિષય બની છે. અગાઉ નદીઓમાં રેતીની લીઝ આપવા માટે રજૂઆતો થતી હતી, પરંતુ હાલના સમયમાં આ મુદ્દે રાજકીય સ્તરે કોઈ મોટી અને સ્પષ્ટ માંગ કેમ ઉઠાવવામાં આવતી નથી તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. માત્ર રેતી ચોરી બંધ કરાવવાની માંગથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે નહીં. તેની સાથે કાયદેસર રેતી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ કરવી પડશે. તંત્ર જો ગેરકાયદેસર રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવા માંગતું હોય તો તેનું સ્વાગત થવું જોઈએ. પરંતુ કાર્યવાહી સાથે વિકલ્પ આપવો પણ એટલો જ જરૂરી છે. નદીઓમાં નિયમબદ્ધ લીઝ આપવાથી સરકારને રોયલ્ટીની આવક થઈ શકે, ગેરકાયદેસર ખનન પર અંકુશ આવી શકે અને બાંધકામ ક્ષેત્રને કાયદેસર રીતે રેતી મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે અમરેલીનું તંત્ર માત્ર રેતીચોરી સામે કાર્યવાહી કરીને સંતોષ માને છે કે પછી જિલ્લાની નદીઓમાં કાયદેસર અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે રેતી ખનન માટેની વ્યવસ્થા ઊભી કરવા દિશામાં પણ નક્કર પગલાં ભરે છે. કારણ કે રેતીનો પ્રશ્ન હવે માત્ર ખનનનો નથી રહ્યો, પરંતુ તે સીધો બાંધકામ વ્યવસાય, મકાનના ખર્ચ અને સામાન્ય માણસના બજેટ સાથે જોડાઈ રહ્યો છે.
રેતી બંધ થતા ભાદર સહિત અન્ય નદીઓ પર આધાર
અમરેલી જિલ્લામાં રેતીચોરી સામે કાર્યવાહી થતાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. રેતીચોરી બંધ થતાં હવે ભાદર સહિત લીઝ અપાતી હોય તેવી નદીઓમાંથી રોયલ્ટી ચૂકવીને રેતી લાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે રોયલ્ટી સહિતની રેતીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. બાંધકામ ક્ષેત્રે રેતીના ભાવ વધશે તો સામાન્ય લોકોના ઘર બનાવવાના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારો માટે આર્થિક ભારણ વધી શકે છે. તેથી લોકોને નિયમસર અને મંજૂરીવાળી રેતી સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.









































