ઉના તાલુકાના નાથળ ગામે ભીખાભાઈ સિલોતની વાડીના કુવામાંથી અજાણ્યા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. કુવામાંથી દુર્ગંધ આવતાં ગ્રામજનોને શંકા જતાં બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉના નગરપાલિકાની ફાયર ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. શરીર કે કપડાંમાંથી ઓળખનો કોઈ પુરાવો મળ્યો નથી, પરંતુ જમણા હાથના અંગૂઠા પાસે ‘કે.પી.’ લખેલું નિશાન જોવા મળ્યું છે. પોલીસે ઓળખ મેળવવા અને મોતના સંજોગો જાણવા તપાસ હાથ ધરી છે.








































