અમરેલી તાલુકામાં ખાતરના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં કેટલાક વિક્રેતાઓ દ્વારા ખેડૂતો પાસેથી જૂના ભાવે નાણાં વસૂલાતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારતીય જનતા પાર્ટી અમરેલી તાલુકાના મહામંત્રી હિરેન સોજીત્રાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર લખી આ બાબતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે એક ખેડૂત પાસેથી ખાતર ખરીદીના બિલની નકલ પણ પ્રાપ્ત થઈ છે, જેમાં જૂના ભાવે નાણાં વસૂલાયાનું જણાય છે. ખેડૂતો પહેલેથી જ ખેતીના વધતા ખર્ચ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ રીતે જૂના ભાવે ખાતર વેચવું અન્યાય સમાન ગણાવાયું છે. રજૂઆતમાં તાલુકાના તમામ ખાતર વેચાણ કેન્દ્રો પર તપાસ કરવા, જૂના અને નવા સરકારી ભાવની ચકાસણી કરવા તથા ભાવ ઘટાડા બાદ પણ જૂના ભાવે વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ઉપરાંત, ખેડૂતો પાસેથી વધારાના વસૂલાયેલા નાણાં પરત અપાવવા અને ભવિષ્યમાં આવી છેતરપિંડી ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવા રજૂઆત કરવામાં આવી છે.








































