ગૌવંશની સેવા, સુરક્ષા અને સન્માનના મુદ્દે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં સંતો-મહાત્માઓએ ગૌવંશના હિતમાં જનઆહવાન કરતા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ગૌવંશને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જા આપવા અને સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કાયદો બનાવવાની માંગ ઉઠી છે.સાધુ સંતોના જણાવ્યા અનુસાર, માત્ર પાંજરાપોળ દ્વારા ગૌવંશનું રક્ષણ શક્્ય નથી અને તેથી ગૌમાતા માટે અલગ કાયદાની જરૂરિયાત છે. ગાય ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે, તેથી જેમ સરકાર દ્વારા વાઘ, મોર તથા સિંહનું રક્ષણ કરવામાં આવે છે, તેમ ગાયનું પણ રક્ષણ થવું જોઈએ.
અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે આજે યોજાયેલી પરિષદમાં ગૌવંશની સેવા, સુરક્ષા અને સન્માનના મુદ્દે અભિયાન હેઠળ મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, બીજી માંગ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે રાજકીય સન્માન અને ત્રીજી માંગ કેન્દ્રીય ગૌ મંત્રાલયની સ્થાપના ઉઠી છે. જે અન્વયે આ માંગો મામલે આગમી ૨૭ નવેમ્બરે અડાલજમાં મહા સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, આગામી ૨૭ નવેમ્બરે અડાલજના પર્વ મેદાન ખાતે મહા સંમેલન યોજાશે. આ સંમેલનમાં ૧ લાખથી વધુ ગૌભક્તો જાડાશે તેવો દાવો સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીને ભુપેન્દ્ર પટેલને પણ આ અભિયાનમાં જાડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉપરાંત, ગુજરાતના મુખ્યમંત્રીની ગૌમાતા પોષણ યોજના બદલ અભિવાદન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આ અભિયાન કોઈ સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા નહીં, પરંતુ ગૌભક્તો અને ગૌપ્રેમીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાનમાં ત્રણ પ્રાર્થના પત્ર ચરણ સરકારને સુપરત કરવામાં આવશે. તેમજ ૫૦ કરોડ લોકોના હસ્તાક્ષર સરકાર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સંમેલનના અધ્યક્ષ નદી બાબા હોવાનું જણાવાયું છે.
આજે ઈસ્કોન ખાતે યોજાયેલ પરિષદમાં ગુજરાતને રખડતા ગૌવંશથી મુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે અને પશુ ગણતરીમાં ગાયનો સમાવેશ કરવા તેમજ ગુજરાતમાં પશુપાલકો પાસે ગાયના હકો સચવાય તેવી રજૂઆત કરવામાં આવી છે. જે અંગે સાધુ સમાજ માંથી બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી, સ્વામી અમૃતાનંદજી (હરિદ્વાર) અને સાધુ વિવેક સાગર દાસજી સહિતના સંતોએ અભિયાન અંગે આગળ આવ્યા છે.








































