રાજુલાના યુવા તસવીરકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિપુલ નટવરલાલ લહેરીનું તસવીર પ્રદર્શન રાજકોટની ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે ૨૮થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે. ગુજરાત સરકારની લલિત કલા અકાદમીના આર્થિક સહયોગથી યોજાનારા આ વનમેન શોનું શીર્ષક ‘ગુજરાતની ધરતીના જીવંત રંગો’ રાખવામાં આવ્યું છે. ૨૮ નવેમ્બરે સાંજે ચાર વાગ્યે ઉદ્ઘાટન થશે. ઉદ્દઘાટક તરીકે રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા, મુખ્ય અતિથિ તરીકે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે. ઉપરાંત બીપીનભાઈ લહેરી, પ્રશાંતભાઈ શાહ અને ભૂષણભાઈ પંડ્યા અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. પ્રદર્શન દરરોજ સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કલા રસિકોને પ્રદર્શન નિહાળવા આમંત્રણ અપાયું છે.