જાફરાબાદમાં હાથ પકડી છેડતી કરવાના ઇરાદે ચુંદડીનો છેડો ખેંચ્યો હતો. બનાવ અંગે શાંતુબેન પ્રકાશભાઈ બાંભણીયા (ઉં.વ.૪૨) એ સાહિલભાઈ મન્સુરી, અમનભાઈ મોગલ તથા આદિલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ લાઈટ હાઉસ રોડ, ગેબનશાહ પીરની દરગાહ જવાના રસ્તેથી પોતાના બંને દીકરા અને મોટા દીકરાની વહુ સાથે શિકોતર માતાના મંદિરેથી દર્શન કરી મોટરસાયકલ પર બધા ઘરે પરત આવતા હતા. આ સમયે આરોપીઓ તેમની મોટરસાયકલની આગળ-પાછળ પોતાની મોટરસાયકલ ચલાવતા હતા. તેમણે આવું કરવાની ના પાડતાં આરોપીઓને સારું નહોતું લાગ્યું. તેમને તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ સાહેદ રાહુલભાઈ પ્રકાશભાઈને ધોકાનો એક ઘા માર્યો હતો. ઉપરાંત, તેમનો હાથ પકડી છેડતી કરવાના ઇરાદે ચુંદડીનો છેડો ખેંચી લીધો હતો. તેમને તથા સાહેદોને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.

































